Page Views: 15225

ખટોદરામાં ગેસ પાઇપ લાઇનમાં આગ

ગુજરાત ગેસનો સ્ટાફ દોડતો થયો – પુરવઠો બંધ કરી રીપેરીંગ કામ હાથ ધરાયું

સુરત-12-2-2018

શહેરના ખટોદરા ચોંસઠ જોગણી માતા મંદિર રોડ પર આજે બપોરે અચાનક ગુજરાત ગેસની અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઇનમાં અચાનક આગ લાગી હતી. આગને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી.

વિગતો અનુસાર, આજે બપોરે સાડા બાર વાગ્યાના સુમારે શહેરના ખટોદરા બીઆરટીએસ રોડની પાછળના ભાગે આવેલા ચોંસઠ જોગણીમાતાના મંદિર પાસે અન્ડર ગ્રાઉન્ડ ગેસ પાઇપ લાઇમાં અચાનક આગ લાગી હતી. આ આગની વિકરાળ જ્વાળાઓ ઉઠતા સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો તેમજ આ અંગે ગુજરાત ગેસ કંપનીના ઇમર્જન્સી નંબર પર સંપર્ક કરવામાં આવતા તેનો સ્ટાફ તુરંત ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. આ આગ ક્યા કારણોસર લાગી તે અંગેની ચોક્કસ વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. જો કે, ગુજરાત ગેસ કંપનીના સ્ટાફ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને આગની આસપાસ જવાનો પ્રયાસ કરનારા લોકોને અટકાવવામાં આવ્યા હતા. તેમજ અન્ડર ગ્રાઉન્ડ લાઇનની મેઇન લાઇનમાં જે સ્થળ પરથી ગેસ પુરવઠાનો સપ્લાય આવતો હતો તે વાલ્વને બંધ કરીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ બનાવને પગલે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો.