Page Views: 15142

મોહન ભાગવતનું નિવેદન દરેક ભારતીયનું અપમાન,સેનાનું અપમાન:રાહુલ ગાંધી

રાષ્ટ્રીય સ્વંય સેવકના પ્રમુખ મોહન ભાગવતના સેના અંગેના નિવેદનને લઈને વિવાદ સર્જાયો

નવી દિલ્હી:-

 

            રાષ્ટ્રીય સ્વંય સેવકના પ્રમુખ મોહન ભાગવતના સેના અંગેના નિવેદનને લઈને વિવાદ સર્જાયો છે. મોહન ભાગવતે એવુ નિવેદન આપ્યુ હતું કે, ભારતીય સેનાને યુદ્ધ થવા માટે તૈયાર થવા માટે ૬થી ૭ મહિનાનો સમય લાગી શકે છે પરંતુ સંઘના સ્વયં સેવકોની સેના ૩ જ દિવસમાં તૈયાર થઈ શકે છે.

            મોહન ભાગવતના આ નિવેદને લઈ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાગવત પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીનું કહેવુ છે કે આરએસએસના ચીફનું ભાગવતનું આ ભાષણ દરેક ભારતીયનું અપમાન છે.રાહુલ ગાંધીએ સવારે ટ્વીટર પર ભાગવતના આ નિવેદનની ટીકા કરતા લખ્યુ હતું કે સંઘ સુપ્રીમોનુ આ નિવેદન દરેક ભારતીયનુ અપમાન છે કારણકે તેમણે દેશ માટે પોતાના જીવનુ બલિદાન આપનાર શહિદોનુ અપમાન કર્યુ છે. તેમણે દેશના રાષ્ટ્રધ્વજનુ અપમાન કર્યુ છે કેમ કે તેમણે રાષ્ટ્રધ્વજને સલામી આપનાર સૈનિકોનુ અપમાન કર્યુ છે.જ્યારે બીજી બાજુ ભાગવતના આ નિવેદન અંગે સંઘ તરફથી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. સંઘે જણાવ્યુ છે કે, ભાગવતના નિવેદનને ખોટી રીતે રજુ કરવામાં આવ્યુ છે.સંઘનુ કહેવુ છે કે ભાગવત ભારતીય સેનાની તુલના સંઘ સાથે નહોતા કરી રહ્યા. તેમનો કહેવાનો મતલબ એ હતો કે, આર્મી પોતાના જવાનોને તૈયાર કરવામાં ૬ મહિનાનો સમય લે છે પરંતુ સંઘ ટ્રેનિંગ આપે તો સૈનિકો ત્રણ જ દિવસમાં સ્વયં સેવક બની શકે છે.

            6 દિવસના પ્રવાસે બિહારના મુજફ્ફરપુરના પ્રવાસે ગયેલા મોહન ભાગવતે 11 ફેબ્રુઆરીએ પોતાની સ્પીચમાં કહ્યું હતું કે જે સૈનિક તૈયાર કરવામાં સેના 6-7 મહિના લગાવે છે, તેમને સંઘ 3 દિવસમાં તૈયાર કરી શકે છે. આ અમારી ક્ષમતા છે. જો એવી સ્થિતિ ઊભી થાય અને બંધારણ મંજૂરી આપે તો સ્વયંસેવકો મોરચા પર જવા તૈયાર છે.