Page Views: 10836

પદ્માવત ફિલ્મ રિલીઝ કરવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાત સરકારે સમય માંગ્યો

વાયકોમ કંપની દ્વારા પોતાના કેટલાંક વધુ મુદ્દા રજુ કરવા માટે સોમવાર સુધીનો સમય આપવાની માગ કરી હતી.

અમદાવાદ: 

         સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારે પદ્માવત ફિલ્મના રિલીઝ ઉપર મુકવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હોવા છતાં થિયેટર માલિકોને ગુજરાત સરકાર રક્ષણ આપવામાં નિષ્ફળ જતા વાયકોમ કંપની દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી ફિલ્મ રિલીઝ વખતે રક્ષણ આપવા માગણી કરી હતી. જે પિટિશન આજે જજ જે. બી. પારડીવાલા સામે નિકળી હતી, જેમાં વાયકોમ કંપની દ્વારા પોતાના કેટલાંક વધુ મુદ્દા રજુ કરવા માટે સોમવાર સુધીનો સમય આપવાની માગ કરી હતી. જ્યારે ગુજરાત સરકારે પોતાનો પક્ષ રજુ કરવા માટે બુધવાર તા. 7 ફેબ્રુઆરી સુધી સમય આપવાની માગણી કરી હતી, જે કોર્ટે ગ્રાહ્ય રાખી હવે તા. 7મીના રોજ સુનાવણી થશે.

પદ્માવત ફિલ્મના થઈ રહેલા વિરોધના પગલે ગુજરાત સરકારે પહેલા તો ફિલ્મ રિલીઝ ઉપર પ્રતિબંધ મુક્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ હટાવી લીધા બાદ અમદાવાદમાં નિકળેલી વિરોધ પ્રદર્શન રેલીમાં હિંસા ભડકી ઉઠતા થીયેટર માલિકો ફિલ્મ રીલીઝ કરવાના મુદ્દે પાછા હટી ગયા હતા. જેના કારણે ગુજરાતમાં આ ફિલ્મ રીલીઝ થઈ નહીં. જ્યારે ગુજરાત સરકારનો દાવો હતો કે તેઓ ફિલ્મ રિલીઝ કરવા તૈયાર છે, પણ થિયેટર માલિકો તેના માટે તૈયાર નથી જેના કારણે વાયકોમ કંપની દ્વારા બુધવારના રોજ હાઈકોર્ટમાં પિટીશન કરી ફિલ્મ રિલીઝ વખતે રક્ષણ આપવામાં આવે તેવી માગણી કરી હતી. જો કે હવે રાજ્ય સરકાર પોતાની તૈયારી કેટલી છે તે મુદ્દે તા. 7મી ફેબ્રુઆરીના રોજ હાઈકોર્ટને કહેશે.