Page Views: 22271

'પદમાવત ' ફિલ્મના વિરોધને લઇને ઉગ્ર દેખાવો: ઉત્તર ગુજરાતમાં એકહજાર એસ.ટી. બસો બંધ કરાઇ

હજારો મુસાફરો અટવાયા

અમદાવાદ:-

        'પદમાવત ' ફિલ્મના વિરોધમાં આજે રાજપૂતોના રાજ્યવ્યાપી ધરણા-પ્રદર્શનો અને ઉગ્ર દેખાવોને લઇને એસ.ટી.બસોનું સંચાલન ખોરવાઇ જતા હજારો મુસાફરો અટવાઇ પડયા હતા. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં હિંસક દેખાવોને લઇને સમગ્ર ઉત્તર ગુજરાતમાં આજે રવિવારે એસ.ટી.બસોનું સંચાલન બંધ રહેવા પામ્યું હતું. એક હજાર બસોને વિવિધ ડેપો ખાતે રોકી દેવાની ફરજ પડી હતી.

        ખેડાના ગોબલજમાં આજે એક એસ.ટી.બસ સળગાવી દેવાતા સ્થિતિ તંગ બની ગઇ હતી. અમદાવાદથી ઉત્તર ગુજરાત તરફની તમામ બસો બંધ રહેવા પામી હતી. મહેસાણા, પાલનપુર, હિંમતનગર, પાટણ વગેરે ડિવિઝનોની તમામ બસો તકેદારીના ભાગરૃપે રોકી દેવાઇ હતી. ઉ.ગુ.માં ઠેરઠેર વિરોધ પ્રદર્શન, રોડ પર ટાયરો સળગાવવા, હાઇવે પર ચક્કાજામ કરવો, એસ.ટી.બસોમાં તોડફોડ, આગચંપીનો પ્રયાસ સહિતના હિંસક બનાવો બન્યા હતા. આ અંગે એસ.ટી.નિગમના અધિકારીઓના જણાવ્યા ઉ.ગુ.માં કુલ ૬ બસોમાં તોડફોડ કરાઇ હતી. ૩ બસોમાં આગચંપીનો પ્રયાસ કરાયો હતો. મેઉ, ઉનાવા, ગાંધીનગર, મેવડ અને નંદાસણમાં બસોને ટાર્ગેટ કરાઇ હતી. મુસાફરોની સલામતીને જોતા આજે સવારથી જ તમામ રૃટોનું બસોનું સંચાલન રાખવાની ફરજ પડી હતી. સોમવારે સવારે સ્થિતિની સમીક્ષા કરીને તેમજ પોલીસ વિભાગ તરફથી મળેલા આદેશ મુજબ બસોના સંચાલનનો નિર્ણય લેવાશે. આજે ખેડામાં ગોબલજ પાસે એક એસ.ટી.બસને લોકોના ટોળાએ સળગાવી હતી. બાવળા-બગોદરા અને સાણંદ હાઇવે પર પર રોડ પર ટાયરો સળગાવાતા બસોના રૃટોમાં ફેરફાર કરાયો હતો. દસક્રોઇના ધામતવણ ગામ પાસે વડોદરા એક્સપ્રેસના પુલ નીચે ટાયરો સળગાવીને રસ્તો બ્લોક કરાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ધોળકા-અમદાવાદના રૃટોની બસો બંધ રહેવા પામી હતી.