Page Views: 20504

ફિલ્મ પદ્માવતના વિરોધીઓને વધુ એક આંચકો: 'પદ્માવત'ને મળેલું સેન્સરબોર્ડનું સર્ટિફિકેટ રદ કરવા સુપ્રીમનો ઇનકાર

ગુજરાતમાં કોઇ પણ સંજોગોમાં ફિલ્મ રિલીઝ થવા નહીં દઇએ : મહાકાલ સેના

નવી દિલ્હી:-

             સુપ્રીમ કોર્ટે વિવાદાસ્પદ ફિલ્મ 'પદ્માવત'ને મળેલ સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર રદ કરવાની માગ કરતી જનહિત અરજી આજે ફગાવી દીધી હતી.  મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા, ન્યાયમૂર્તિ એ એમ ખાનવિલકર અને ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડે એ રજૂઆતને પણ ફગાવી દીધી જેમાં જણાવવામાં આવ્યું હતું કે ફિલ્મ રિલીઝ થવાથી જાન-માલ અને કાયદો-વ્યવસ્થાને ગંભીર ખતરો પેદા થઇ શકે છે.

             વકીલ એમ એલ શર્મા દ્વારા દાખલ કરાયેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરતા ખંડપીઠે જણાવ્યું હતું કે કાયદો-વ્યવસ્થા જાળવવાનું કાર્ય અમારી જવાબદારીમાં આવતું નથી. આ સરકારનું કામ હોવાથી અમે અરજી ફગાવી રહ્યાં છીએ. વકીલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન(સીબીએફસી) દ્વારા ફિલ્મ પદ્માવતને અપાયેલા સર્ટિફીકેટને સિનેમેટોગ્રાફ કાયદાની વિવિધ જોગવાઇઓ હેઠળ રદ કરવાની માગ કરી હતી. ખંડપીઠે જણાવ્યું હતું કે અમે ગઇકાલે જ અમારા આદેશમાં જણાવ્યું હતું કે એક વખત સીબીએફસી પ્રમાણપત્ર આપવામાં આવ્યા પછી તેમાં હસ્તક્ષેપનો કોઇ અવકાશ રહેતો નથી. જો કે બીજી તરફ આ ફિલ્મ સામે હજુ પણ વિરોધ ચાલુ છે. અમદાવાદમાં મહાકાલ સેનાના અધ્યક્ષ સંજય સિંહ રાઠોડે જણાવ્યું હતું કે દોઢ વર્ષથી આંદોલન ચાલી રહ્યું છે. કોઇ પણ સંજોગોમાં આ ફિલ્મને ગુજરાતમાં રિલીઝ થવા નહીં દઇએ. સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે સંજય સિંહે પ્રશ્ર ઉઠાવતા જણાવ્યું હતું કે ખિલજીને ચિત્તોડ જીતવામાં ૬ મહિના લાગ્યા હતાં તો સુપ્રીમ કોર્ટ ૬ દિવસમાં કઇ રીતે પોતાનો ચુકાદો સંભળાવી શકે? તેમણે જણાવ્યું હતું કે હું ગુજરાત સરકારના મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન અને ગૃહ પ્રધાનને વિનંતી કરું છું કે તેઓ અમને હથિવાર ઉઠાવવા મજબૂર ન કરે. પ્રસૂન જોશીને રાજસ્થાનમાં ઘૂસવા નહીં દઇએ : કરણી સેના કરણી સેનાએ ધમકી આપી છે કે  ફિલ્મ પદ્માવતને રિલીઝ કરવાનું પ્રમાણપત્ર આપનાર પ્રસૂન જોશીને ૨૫ જાન્યુઆરીથી શરૃ થતાં જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે રાજસ્થાનમાં પ્રવેશ કરવા દેવામાં નહીં આવે. કરણી સેનાએ જણાવ્યું છે કે તે રાજસ્થાનમાં કદમ રાખશે તે સાથે જે તેમની સામે દેખાવો શરૃ કરી દેવામાં આવશે. ફિલ્મમાં કોઇ દમ નથી, જોવા ન જતાં : ઓવૈસી પણ વિવાદમાં કૂદયા ફિલ્મ પદ્માવતને ભલે સુપ્રીમ કોર્ટની મંજૂરી મળી ગઇ હોય પણ આ ફિલ્મનો વિરોધ હજુ પણ ચાલુ છે. ફિલ્મના વિવાદમાં હવે ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીનના નેતા અસદુદ્દીન ઓવૌસીએ પણ ઝંપલાવ્યું છે. ઓવૈસીએ મુસલમાનોને રાજપૂતોથી શીખ લેવા જણાવ્યું છે. ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (એઆઇએમઆઇએમ)ના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પદ્માવત ફિલ્મ નિરર્થક ગણાવી છે અને પોતાના સમર્થકોને ફિલ્મ ન જોવાની સલાહ આપી છે. પદ્માવતના નિર્માતા વતી હાજર રહેલા વકીલ હરિશ સાલ્વેને ધમકી સુપ્રીમ કોર્ટમાં પદ્માવત ફિલ્મના નિર્માતા વતી સુપ્રીમ કોર્ટમાં હાજર રહેલા વકીલ હરિશ સાલવેને ફોન પર ધમકીઓ મળી રહી છે. સાલવેની ઓફીસમાં તેમને શારીરિક ઇજા પહોંચાડવાની ધમકીઓ આપતા ફોન આવી રહ્યાં છે. ફોન કરનારાઓ દાવો કરે છે કે તેઓ કરણી સેનાના સભ્યો છે. ઉલ્લેખનીય છે કે કરણી સેનાના સભ્યો પદ્માવત ફિલ્મના રિલીઝ સામે મોટા પાયે વિરોધ કરી રહ્યાં છે. દિલ્હીમાં સાલવેની ઓફિસની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સાલવેએ જણાવ્યું હતું કે ફિલ્મને સીબીએફસીની મંજૂરી મળી ગયા પછી તેના પર પ્રતિબંધ મૂકવાનો કોઇને અધિકાર નથી.

(પીટીઆઇ)