Page Views: 32630

વાલ્મિકી સમાજે કાળા વાવટા સાથે જિજ્ઞેશ મેવાણીનો કર્યો વિરોધ

જિજ્ઞેશ મેવાણીને વાલ્મિકી સમાજના લોકોએ એક રેલી દરમિયાન અમદાવાદમાં કાળા વાવટા બતાવ્યા

દલિત નેતા અને વડગામથી અપક્ષ નેતા જિજ્ઞેશ મેવાણીને વાલ્મિકી સમાજના લોકોએ એક રેલી દરમિયાન અમદાવાદમાં કાળા વાવટા બતાવ્યા હતા. આ ઘટના ગુરૂવારની છે, જ્યારે તેઓ સફાઇ કર્મચારીઓની બેઠકમાં ભાગ લેવા માટે અમદાવાદના બ્રહ્મપુરા વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યારે ત્યાં હાજર વાલ્મિકી સમાજના લોકોએ કાળા ઝંડા ફરકાવ્યા હતા. વાલ્મિકી સમાજના અધિકારો અંગે પ્રદર્શન કરવા માટે આ બેઠક કરવામાં આવી હતી. કેટલાક લોકો અનુસાર, આ સમાજ આજે પણ અસ્પૃશ્ય ગણાય છે. આ બેઠક દરમિયાન જ વાલ્મિકી સમાજના કેટલાક લોકો ડૉ. આંબેડકર હોલ સામે એકત્ર થયા અને કાળા વાવટા ફરકાવ્યા હતા.

        ગુજરાત વાલ્મિકી સંગઠનના અધ્યક્ષ લાલજી ભગતે કહ્યું કે, જિજ્ઞેશ મેવાણી આ મુદ્દે રાજકારણ કરી રહ્યા છે. તેઓ કોંગ્રેસનું એક મોહરું છે અને તેમણે અમારી સમસ્યાઓના ઉકેલ માટે વાસ્તવિક રીતે કંઇ જ કર્યું નથી. તે અમારી વિરુદ્ધ ભેદભાવ કરી રહ્યાં છે. તેઓ અમારી સમસ્યાઓ અંગે જાણતા જ નથી તો બેઠક કઇ રીતે કરી શકે. અમારા વાલ્મીકિ સમાજના કેટલાક સભ્યો અંદર છે અને તેઓ દેશદ્રોહી છે. અમે અમારા સમાજના તમામ સભ્યોને ફોન કરીશું અને તેમની વિરુદ્ધ લડીશું.

શું કહ્યું જિજ્ઞેશ મેવાણીએ?

આ વિરોધ પ્રદર્શન સામે પ્રતિક્રિયા આપતા જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે, હું પ્રદર્શનકારીઓનું સ્વાગત કરું છું. આનાથી ખબર પડે છે કે, હું આરએસએસ અને ભાજપ માટે જોખમરૂપ છું. તેમના તરફથી સતત આવા પ્રયત્નો થઇ રહ્યાં છે. હું જ્યાંપણ જાઉં ત્યાં તેઓ આવા જ લોકો વિરોધ કરવા માટે મોકલી આપે છે. ઉલ્લેખનીય છે કે, સફાઇ કર્મચારીઓના સમર્થનમાં જિજ્ઞેશ મેવાણી રાજ્યવ્યાપી આંદોલન કરવાની તૈયારી કરી રહ્યાં છે. તેમણે આ અંગે કહ્યું કે, સફાઇ કર્મચારીઓની એક રણનીતિ બનાવવી પડશે. આ કેવું ગુજરાત મોડલ છે જ્યાં લોકોને ગટરમાં જઇને સફાઇ કરવી પડે છે. આપણે કયા વિકાસની વાતો કરી રહ્યાં છીએ, જ્યારે આપણે નાળા સાફ કરવા માટે મશીનોનો ઉપયોગ નથી કરી શકતા? ક્યાં સુધી એક સમાજના લોકો આ કામ માં પોતાનું જીવન દાવ પર લગાવતા રહેશે? આ માટે અમે 14 એપ્રિલ કે કોઇ એવી તારીખ જેના પર સંમતિ બને, એ દિવસે આંદોલન કરીશું અને સરકાર સામે અમારી માંગણીઓ રજૂ કરીશું.