Page Views: 27343

રજા જોઇતી હતી તો 1લા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને ચાકુ મારી દીધું: ચોંકાવનારો કિસ્સો

પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી આ વિદ્યાર્થીનીને શોધવા માટેની તપાસ હાથ ધરી

લખનઉ:-

 

            દિલ્હીની રયાન ઇન્ટરનેશનલ સ્કુલમાં બીજા ધોરણમાં ભણતા પ્રદ્યુમનની હત્યાનો કેસ જુનો નથી થયો ત્યાં આવો જ બીજો ચોંકાવનારો કિસ્સો ઉત્તરપ્રદેશમાં લખનઉ શહેરમાં બ્રાઈટલેન્ડ ઇન્ટરનેશનલ સ્કુલમાં બન્યો છે.બ્રાઇટલેન્ડ ઇન્ટરનેશનલ સ્કુલમાં રજા મળે તે માટે એક છોકરીએ 1લા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને ચાકુ મારી દેવાની ઘટના સામે આવી છે.

            પ્રાપ્ત વિગતો અનુસાર,લખનઉના ત્રિવેણી નગરમાં આવેલી બ્રાઈટલેન્ડ ઇન્ટરનેશનલ શાળામાં ધોરણ ૧ માં અભ્યાસ કરતા ઋત્વિક પર મંગળવારે સ્કુલના ટોઇલેટમાં હુમલો થયો હતો.કોઇ કિશોરીએ ઋત્વીકને ચાકુ મારતા સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.7 વર્ષના ઋત્વિકે પોલીસની પુછપરછ દરમ્યાન જણાવ્યું હતું કે સવારે સાડા દસ વાગ્યે પ્રાર્થનાના સમયે એક દીદી (સ્કુલની વિદ્યાર્થીની)ક્લાસમાં આવી હતી.આ દીદીએ મને તેની સાથે આવવા જણાવ્યું અને છોકરાઓ માટેના વોશરૂમમાં લઇ ગઇ હતી.એ પછી મારા મોં પર દુપટ્ટો ઠુંસી દીધો હતો અને હાથ પર પાછળ બાંધી દીધા હતા.સવારે સાડા દસ વાગ્યે પ્રાર્થનાનો ટાઇમ થઇ ગયો હતો.તે સમયે મારી જ સ્કુલની નાના વાળવાળી એક દીદી મારા પાસે આવી. તેણે મને નામ પૂછ્યું અને તેની જોડે જવા કહ્યું. એ પછી તે મને વોશરૂમમાં લઇ ગઈ અને મારા મોઢામાં દુપ્પટો ભરાઈ દીધો અને મારા બંને હાથ બાંધી દીધા.આગળ ઋત્વિકે જણાવ્યું કે દીદીએ ધારદાર ચાકુથી મારા પર ચાર વખત વાર કર્યા.ઋત્વીકે જણાવ્યું હતું કે દીદીએ મને કહ્યું કે જો તે મને જાનથી મારી નાખશે તો આજે સ્કુલમાં રજા મળી જશે.ઋત્વીકના ઘાયલ થવાની જાણ એક શિક્ષકને થઇ હતી.વોશરૂમની બહાર પસાર થતા એક શિક્ષકે કોઈનો બૂમ પાડવાનો અવાજ સાંભળ્યો તેમણે જયારે દરવાજો ખોલ્યો તો ઋત્વિક લોહીના ખાબોચિયામાં તરફડીયા મારી રહ્યો હતો.હુમલો કરનારી વિધાર્થીની તેના સ્કુલ ડ્રેસ પરથી છઠ્ઠા ધોરણ થી આઠમાં ધોરણમાં ભણતી હોવાનું જણાઈ રહ્યું છે.પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી આ વિદ્યાર્થીનીને શોધવા માટેની તપાસ હાથ ધરી છે.

            મહત્વનું છે કે આખી સ્કુલમાં ૭૦ સીસીટીવી કેમેરા અને ૨૫ જેટલા મહિલા કર્મચારી હોવા છતાં પણ એક માત્ર સ્કુલમાં રજા મળે એ હેતુથી નિર્દોષ બાળક પર હુમલો કરવાની ઘટના બની છે.

પોલિસે સીસીટીવી ફુટેજના આધારે સ્કેચ બનાવ્યો છે અને ટુંકા વાળવાળી છોકરીની તપાસ શરૂ કરી છે.એવું પણ જાણવા મળે છે કે પોલિસે આ મામલે સ્કુલના પ્રિન્સીપાલની પણ ધરપકડ કરી છે.આખો મામલો એક દિવસ સુધી દબાવીને ગેરજવાબદારી દાખવનાર પ્રિન્સિપાલને પોલિસે પકડ્યો હતો.

આ ઘટનાની ગંભીરતાની નોંધ લઇને રાજ્યના સીએમ યોગી આદિત્યનાથે ઘાયલ થયેલા વિદ્યાર્થી ઋત્વીકની કેજીએમયુ ટ્રોમા સેન્ટરમાં મુલાકાત લીધી હતી.