Page Views: 219565

કતારગામ બેઠક પરથી ચૂંટણી લડનારા કોંગ્રેસના જીગ્નેશ મેવાસાએ યુવાનને તલવારના ઘા ઝીંક્યા

જીગ્નેશની બેનને રોનક મોરડીયા બ્લેકમેઇલ કરતો હોવાની વાત- રોનક ગંભીર હાલતમાં કિરણ હોસ્પિટલમાં સારવાર હેઠળ

સુરત-17-1-2018

તાજેતરમાં જ સંપન્ન થયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં કતારગામ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડનારા જીગ્નેશ મેવાસાએ આજે બપોરે એક યુવાનને આડેધડ તલવારના ઘા ઝીંકી દેતા યુવાનને ગંભીર હાલમાં સારવાર માટે કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના બન્યા બાદ પોલીસ દોડતી થઇ છે અને જીગ્નેશ પોલીસ ધરપકડથી બચવા માટે નાસી છુટ્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, કતારગામ લલીતા ચોકડી નજીક આવેલા શિવ નગર નજીકથી પસાર થઇ રહેલા રોનક મોરડીયા નામના યુવાન પર જીગ્નેશ મેવાસાએ તલવાર વડે હુમલો કર્યો હતો. જીગ્નેશ મેવાસાએ બ્લેક કલરની લકઝુરીયસ કારમાં આવી અને તલવાર સાથે નીચે ઉતરીને રોનક મોરડીયાને આડેધડ તલવારના ઘા ઝીંકીને લોહી લુહાણ કરી નાંખ્યો હતો અને બાદમાં તે આ કારમાં જ બેસીને નાસી છુટ્યો હતો.  રોનક મોરડીયા ઉપર જીગ્નેશે હુમલો કર્યો તેની પાછળનું કારણ એવુ બતાવવામાં આવી રહ્યું છે કે, રોનક છેલ્લા કેટલાક સમયથી જીગ્નેશની બેનને બ્લેક મેઇલ કરી રહ્યો હતો અને જીગ્નેશની બેને આ વાત તેને કહેતા જીગ્નેશ ઉશ્કેરાયો હતો અને આજે બપોરે રોનક ઉપર તે તલવાર લઇ તુટી પડ્યો હતો.

તલવારના આડેધડ ઘા મરાયા હોવાથી એ બેભાન થઇ ઢળી પડ્યો હતો અને તેને ગંભીર હાલતમાં સારવાર માટે કતારગામ સ્થિત કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની હાલત કટોકટ હોવાનું જાણવા મળે છે. બનાવ બાદ જીગ્નેશ નાસી છુટ્યો છે અને પોલીસે તેની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.