Page Views: 39973

૯૬ કરોડની રદ થયેલી નોટોની પથારી પર બિલ્ડર સુઇ જતો હતો

એનઆઈએ અને યુપી પોલીસના એક સંયુક્ત ઓપરેશનમાં ૯૬.૬૨ કરોડની જુની નોટો જપ્ત કરવામાં આવી

કાનપુર:-

 

            ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક હબ ગણાતા કાનપુરમાં નોટબંધી બાદ જુની નોટોની અત્યાર સુધીની સૌથી મોટો જથ્થો જપ્ત થયો છે. એનઆઈએ અને યુપી પોલીસના એક સંયુક્ત ઓપરેશનમાં ૯૬.૬૨ કરોડની જુની નોટો જપ્ત કરવામાં આવી છે.

            એનઆઈએ દ્વારા પાડવામાં આવેલ દરોડા દરમિયાન રદ થઇ ગયેલી આ જૂની નોટોની ૩ પથારી મળી આવી હતી.માની ના શકાય પરતું જૂની નોટોની આ પથારીનો ઉપયોગ ઊંઘવા માટે કરવામાં આવતો હતો. આ નોટો બિલ્ડર આનંદ ખત્રીના ઘરેથી જપ્ત થઈ છે.એનઆઈએ અને યુપી પોલીસે મંગળવારે એક હોટલ અને ૩ અન્ય સ્થળે દરોડા પાડ્યા હતા. જેમાં ૮ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો પાસેથી મળેલી માહિતીના આધારે આજે આનંદ ખત્રીના ઘરે દરોડા પડાયા હતા.કાનપુરના એસએસપી એકે મીણાએ જણાવ્યુ હતું કે, મળી આવેલ આ રકમ અંગે આરબીઆઈ અને ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓને માહિતી આપી દેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં મળેલ વિગત મુજબ આ બિલ્ડરે કમિશનથી નોટો બદલાવી આપીને આ રોકડ ભેગી કરી હતી. આ પહેલા યુપી પોલીસે મેરઠના એક બિલ્ડર સંજીવ મિત્તલ પાસેથી લગભગ ૨૫ કરોડ રૂપિયાની જુની નોટો ઝડપી પાડી છે.

            આ તપાસ દરમિયાન એનઆઈએને માહિતી મળી હતી કે, ઉત્તરપ્રદેશના અનેક નામચીન બિલ્ડરો આ કૌભાંડમાં સંકળાયેલા છે. યુપી પોલીસનુ કહેવુ છે કે આ મામલે ધરપકડ કરાયેલ એક વ્યક્તિનો સંબંધી આરબીઆઈમાં નોકરી કરે છે, જેથી એ એંગલની પણ તપાસ કરાઈ રહી છે કે આ સમગ્ર કૌભાંડમાં કોઈ સરકારી અધિકારી તો સંડોવાયેલ નથી

સૂત્રોનું માનીએ તો પૂર્વાંચલથી કેટલાંક લોકો કાનપુર પહોંચ્યા હતા. તેના માધ્યમથી જૂની નોટો બદલવાની હતી. આ લોકોને વેપારીઓએ શહેરના અલગ-અલગ હોટલમાં રાખ્યા હતા.