Page Views: 49095

દસ વર્ષ જુના કેસમાં ડો.પ્રવિણ તોગડીયાની ધરપકડ- વીએચપીએ એસ જી હાઇ વે જામ કર્યો

રાજસ્થાન પોલીસ ડો. તોગડીયાને લઇને સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ સાત કલાકે ખુલાસો થયો

સુરત-15-1-2018

આત્મારામ પટેલના ધોતિયા કાંડમાં વોરન્ટ ઇસ્યુ થયા બાદ વિશ્વ હિન્દુ પરિષદના નેતા ડો. પ્રવિણ તોગડીયા સામે ભાજપ સરકારે જાણે મોરચો ખોલ્યો હોય એવુ લાગી રહ્યું છે. આજે બપોરે રાજસ્થાન પોલીસે ડો. તોગડીયાની દસ વર્ષ જુના એક કેસમાં ધરપકડ કરી હતી. આ ઘટનાને સોલા પોલીસે સાત કલાક બાદ સમર્થન આપતા થોડા સમય માટે રહસ્યમય વાતો ફેલાઇ હતી. ડો. તોગડીયાની ધરપકડને પગલે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ થોડા સમય માટે એસ જી હાઇ વે ચોક અપ કરી દીધો હતો.

સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, રાજસ્થાનમાં દસ વર્ષ અગાઉ વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ડો. પ્રવિણ તોગડીયા સામે એક ગુનો દાખલ થયો હતો. આ ઘટના બાદ કેસ પેપર પર ધુળ લાગી ગઇ હતી અને ત્યાર બાદ ડો. તોગડીયા સંખ્યાબંધ વખત રાજસ્થાનના વિવિધ શહેરોમાં જાહેર સભાઓ કરી આવ્યા હતા પરંતુ આખરે આજે બપોરના સુમારે રાજસ્થાન પોલીસનો કાફલો સોલા પોલીસ સ્ટેશન પર આવ્યો હતો. રાજસ્થાન પોલીસ સ્થાનિક પોલીસને લઇને ડો. તોગડીયાના નિવાસસ્થાન પર ગઇ હતી અને તેમની સત્તાવાર ધરપકડ કરી હતી. બપોરના સમયે રાજસ્થાન પોલીસે ડો. તોગડીયાની ધરપકડ કર્યા બાદ તેમને સીધા સોલા પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. જ્યાં સ્ટેશન ડાયરીમાં નોંધ કરાવી અને પોલીસ રાજસ્થાન જવા રવાના થઇ ગઇ હતી.

બીજી તરફ ડો. પ્રવિણ તોગડીયાની ધરપકડની વાત સમગ્ર શહેરમાં વાયુવેગે પ્રસરી જતા વિશ્વ હિન્દુ પરિષદના હજારો કાર્યકરો સોલા પોલીસ સ્ટેશન પર દોડી આવ્યા હતા. કાર્યકરોને શરૂઆતના તબક્કામાં પોલીસ દ્વારા કોઇ વિગતો આપવામાં આવી ન હતી જેના કારણે તેઓ ઉશ્કેરાયા હતા અને એસ જી હાઇ વે પર વાહનો અટકાવી અને ચક્કાજામ કરી દીધો હતો. સતત સાત કલાકના સસ્પેન્સ બાદ સોલા પોલીસે એવુ જાહેર કર્યું હતું કે, ડો. તોગડીયાની રાજસ્થાન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.