Page Views: 31391

શહેરના આકાશે પતંગોની રંગોળી- ચાઇનીઝ તુક્કલ ગાયબ ફટાકડા ફુટ્યા

શહેરીજનોએ સવારથી સાંજ સુધી ડીજે ના તાલ અને કાઇપો છે ના નારા સાથે ઉજવ્યો પતંગોત્સવ

સુરત-15-1-2018

કોઇ પણ તહેવારને આગવી રીતે ઉજવવા માટે સમગ્ર વિશ્વમાં જાણીતા એવા સુરતી લાલાઓએ પોતાના પ્રિય એવા ઉત્તરાયણના પર્વને ધામધુમથી ઉજવ્યું હતું. વહેલી સવારથી જ શહેરીજનો પોત પોતાના મકાનોની અગાસીઓ ઉપર પહોંચી ગયા હતા અને દિવસભર શહેરના આકાશે વિવિધ પ્રકારના પતંગોની રંગોળી પુરી દીધી હતી. સવારથી જ એક બીજાના પતંગો કાપવાની હોડમાં ઉતર્યા હોય એમ શહેરીજનોએ ડી જે ના તાલે ઝુમતા ઝુમતા કાઇપો છે અને લપેટ જેવા ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજતું કર્યું હતું. શહેરનાજ પોશ ગણાતા એવા વેસુથી માંડીને સિટી લાઇટ રોડ, ઘોડદોડ રોડ, ઉમરા, ભટાર, રાંદેર, અડાજણ, પાલ, કતારગામ, વરાછા, કાપોદ્રા, મોટા વરાછા, અમરોલી, છાપરા ભાઠા, પાંડેસરા, લિંબાયત, ઉધના વિગેરે વિસ્તારોમાં પતંગોત્સવની ધામધુમ પુર્વક ઉજવણી કરી હતી. દિવસભર તલ સાંકળી, દાળિયા-મમરાના લાડુ અને ઉંધિયાની જયાફત પણ શહેરીજનોએ માણી હતી.

પ્રતિ વર્ષ તંત્ર માટે માથાના દુઃખાવા સમાન બનતી ચાઇનીઝ તુક્કલનો ક્રેઝ આ વર્ષે બિલકુલ ઓગળીગયો હોય એવુ લાગતું હતું. સાંજના સમયે શહેરમાં છુટા છવાયા વિસ્તારોમાં તુક્કલ ઉડતી દેખાઇ હતી. જો કે, મોટા ભાગના શહેરીજનોએ આ વર્ષે તુક્કલ ઉડાડવાનું બંધ રાખ્યું હતું જેના કારણે ફાયર બ્રિગેડના તંત્રએ પણ રાહતનો દમ લીધો હતો. ગત વર્ષોની સરખામણીમાં શહેરમાં ચાલુ વર્ષે માંડ પાંચથી દસ ટકા જેટલી જ ચાઇનીઝ તુક્કલો ઉડતી દેખાઇ હતી. જેની સામે મોટા ભાગના શહેરીજનોએ રાત પડતાની સાથે જ આતશબાજી કરીને બેફામ દારૂખાનું ફોડ્યું હતું. આ ક્રમ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. ઉત્તરાયણ બાદ આજે સવારથી જ શહેરીજનો વાસી ઉત્તરાયણ ઉજવવા માટે ધાબા કે અગાસી પર પહોંચ્યા છે. જો કે, સરકારી કચેરીઓ અને બેન્ક રાબેતા મુજબ શરૂ હોવાથી આજે ઓછી માત્રામાં પતંગો ઉડતા નજરે પડી રહ્યા છે.