Page Views: 52043

સુરતઃ વૃધ્ધના અંગોના દાનથી પાંચ વ્યક્તિને નવજીવન મળ્યું

વૃધ્ધના અંગોના દાનથી પાંચ વ્યક્તિને નવજીવન મળ્યું ૬૭ વર્ષિય મનુભાઈ મહેતાને અકસ્માત નડયા બાદ બ્રેઈનડેડ જાહેર કરાયા હતા

સુરત:-

           મહુવાના બ્રેઈનડેડ જાહેર થયેલા વૃધ્ધના કિડની, લીવર, ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપીને સમાજને નવી દિશા બતાવી હતી.

          પ્રાપ્ત વિગત મુજબ મહુવામાં ઝેરવાવરા ગામમાં ઝરી નિશાળ ફળિયામાં રહેતા મનુભાઈ હીરાભાઈ મહેતા (ઉ.વ.૬૨) ને સંતાનમાં ચાર પુત્ર છે. તે ખેત મજુરી અને પશુપાલનનું કામ કરતા હતા. ગઈ તા. ૧૭ મીએ મનુભાઈ ગાયને દોહીને દૂધ બામણીયા ગામ ખાતે દૂધ મંડળીમાં આપવા ગયા હતા. ત્યાંથી તે સાયકલ પર ઘરે જતા હતા. ત્યારે બામણીયા ગામના મહેતા ફળિયા નજીક એક અજાણ્યા બાઈક ચાલકે સાયકને ટક્કર મારી હતી. જેમાં મનુભાઈને ઈજા થતાં વધુ સારવાર માટે સુરતની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ગઈકાલે તબીબે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. તેથી હોસ્પિટલના તંત્રએ ડોનેટ લાઈફના નિલેશ માંડલેવાલાને જાણ કરી હતી. તેથી ડોનેટ લાઈફની ટીમ તરત ત્યાં જઈને તેમના પરિવારના સભ્યોને ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવ્યું હતું. તેમના પરિવારે તેમના અંગોના દાન કરવાનું નક્કી કર્યુ હતું. અમદાવાદની હોસ્પિટલના તબીબ સુરત આવીને તેમની કિડની અને લિવરનું દાન લીધું હતું. જ્યારે આંખ લોકદ્રષ્ટી ચક્ષુબેન્ક દ્વારા સ્વીકાર્યુ હતું. દાનમાં મેળવવા આપેલી કિડની પૈકી એક કિડની ભાવનગરમાં રહેતા તનસુખ બચુભાઈ ચોપડા (ઉ.વ.૪૧) અને બીજી કિડની અમદાવાદમાં રહેતા કે.સી. દયાનંદ કુન્સી કાનન નામ્બીયાર (ઉ.વ.૫૮), જ્યારે લીવર ગાંધીનગરમાં રહેતા મહેશ બાબુભાઈ પટેલ (ઉ.વ.૪૭) માં તબીબોએ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

          સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી બ્રેઈનડેડ પરિવારની સાથે સમજણ નીલેશ માંડેલવાલ અને ડોનેટ લાઈફ દ્વારા ૨૩૪ કિડની, ૯૪ લીવર, ૬ પેન્ક્રીયાસ, ૧૬ હૃદય અને ૧૯૬ ચક્ષુઓનો દાન મેળવીને ૫૪૩ વ્યક્તિઓને નવજીવન અને નવી રોશની મળી છે.