Page Views: 69729

ભેસ્તાનમાં મંદીરની બાજુમાં રૂમ તોડવા ગયેલી પાલિકાની ટીમ પર પથ્થરમારો

તુળજા ભવાની મંદીરની બાજુની રૂમ તોડવા પાલિકાવાળા બુટ-ચપ્પલ સાથે મંદીરમાં ધુસી જતા સ્થાનિક લોકો વિફર્યા

સુરત-20-12-2017

શહેરના ભેસ્તાન આવાસ ખાતે નવા બંધાયેલા તુળજા ભવાની મંદીરની બાજુમાં બાંધવામાં આવેલા રૂમને  તોડવા માટે ગયેલી મહાનગર પાલિકાની ટીમ પર સ્થાનિક લોકોએ પથ્થરમારો કરતા તમામને ઉભી પુછડીએ ભાગવાનો વખત આવ્યો હતો. ત્યાર બાદ પાલિકાના અધિકારીઓ દ્વારા આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે.

મળતી વિગતો અનુસાર, ભેસ્તાન આવાસ ખાતે સ્થાનિક લોકો દ્વારા તુળજા ભવાની માતાનું મંદીર બાંધવામાં આવ્યુ છે. તેની બાજુમાં રૂમનું બાંધકામ કરવામાં આવ્યુ છે  આ બાંધકામ  ગેરકાયદેસર હોવાનું કહીને આજે સવારે મહાનગર પાલિકાનો સ્ટાફ હથોડા લઇને પહોંચી ગયો હતો. સ્થાનિક લોકોએ આ અધિકારીઓને મંદીરની બાજુના રૂમની તોડફોડ નહીં કરવા માટે વિનંતી કરી હતી પરંતુ તેમની વાત તંત્રએ કાને ધરી ન હતી. તેમજ બેલદારોને હુકમ આપતા તોડફોડ કરનારા કર્મચારીઓ બુટ-ચપ્પલ પહેરીને મંદીરની બાજુમાં રૂમની તોડફોડ કરવા માટે મંદીરમાં ગયા હતા. જેના કારણે સ્થાનિક લોકો ઉશ્કેરાયા હતા અને તેમણે પાલિકાની ટીમ પર જોરદાર પથ્થરમારો કરીને મંદીર તોડવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક લોકોના વિરોધને કારણે પાલિકાની ટીમને આ સ્થળ પરથી ભાગી છુટવાની ફરજ પડી હતી. આખરે પોલીસને બોલાવી અને સ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું. હાલમાં આ સમગ્ર વિસ્તારમાં શાંતિ જોવા મળી રહી છે તેમજ પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ સાથે બંદોબસ્તને વધારે સઘન બનાવવામાં આવ્યો છે.