Page Views: 123116

ચૂંટણી પરિણામ બાદ સુરતના રાજકારણમાં સૌથી વધુ ચર્ચાતો પ્રશ્ન: હાર્દિકની સૌથી સફળ સભા થઈ ત્યાં ભાજપનો જ ફાયદો કેમ થયો?

કોંગ્રેસ જીતે તો આ લોકોની દાદાગીરી બેફામ બનશે તેવું માનીને પાટીદારો સહિત અન્ય સમાજે ભાજપ તરફી મતદાન કર્યું હોવાનું અનુમાન

 સુરત:-

           ગુજરાત વિધાનસભાની ચુંટણી પહલા પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલની જ્યાં સૌથી સફળ સભા અને મોટો રોડ શો થયો હતો. તેવા સુરતમાં કોગ્રેસનો સફાયો થતા અનેક પ્રશ્નો ઉભા થયાં છે. હાર્દિકની સફળ સભા થઈ ત્યાં જ ભાજપને કેમ મોટો ફાયદો થયો છે તેવા પ્રશ્નો દરેકના મોઢે સાંભળવા મળી રહ્યાં છે.    

           સુરતમાં કોંગ્રેસના કેટલાક નેતાઓની ગદ્દારી અને પાસના કેટલાક સભ્યોની દાદાગીરી પાટીદાર સમાજ સહિત અન્ય સમાજના લોકો પચાવી શક્યા ન હતા જેના કારણે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનતા બનતા રહી ગઈ હતી. પાટીદાર અનામત આદોલનનું એપી સેન્ટર બનેલા સુરતમાં ભાજપને પાટીદાર બહુમતિ ધરાવતી ૬ બેઠકો પર મુશ્કેલી પડે અને ભાજપની જુથબંધીના કારણે બે બેઠક કોગ્રસના ફાળે આવે તેવી ચર્ચા થઈ રહી હતી. આ જોઈને કોંગ્રસી નેતાઓ ગેલમાં આવી ગયાં હતા. ચુંટણી પહેલાં હાર્દિક પટેલનો રોડ શો અને મોટી જાહેર સભા જોઈને કોંગ્રેસે લીડની ગણતરી પણ શરૃ કરી દીધી હતી. પરંતુ પરિણામ બાદ કોંગ્રસની ગણતરી બધી જ ખોટી પડી જ્યાં હાર્દિક પટેલની મોટી સભા થઈ હતી તે બેઠક પર ભાજપને મોટો ફાયદો થયો હતો. વરાછા અને કામરેજ બેઠક પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ હોવા છતાં ભાજપનો સરળ વિજય થયો છે. હાર્દિકની સભાથી ભાજપને ફાયદો કેમ થયો તેવી ચર્ચા પરિણામ બાદ ચોરેને ચોટે થઈ રહી છે. લોકો એવી પણ ચર્ચા કરી રહ્યાં છે કે, સુરત કોગ્રેસના કેટલાક નેતાઓએ ગદ્દારી કરી અને કોંગ્રસના ઉમદવારને જ હરાવવા માટે મહેનત કરી હતી. તો બીજી તરફ હાર્દિક પટેલ એન્ડ કંપનીએ સ્ટેજ પરથી બેફામ કરેલા ભાષણને પાસના કેટલાક સભ્યોની દાદાગીરી લોકો માટે પચાવવી ભારે પડી ગઈ હતી. પાસના કારણે કોંગ્રેસ જીતે તો આ લોકોની દાદાગીરી બેફામ બનશે તેવું માનીને પાટીદારો સહિત અન્ય સમાજે ભાજપ તરફી મતદાન કર્યું હોવાનું કહેવાય રહ્યું છે.