Page Views: 59389

અમરેલીમાં ભાજપના આ પાંચ દિગ્ગજોને મળી ધોબી પછાડ

પરેશ ધાનાણી સહિતના કોંગી ઉમેદવારોએ ક્યાં કોને હરાવ્યા

અમરેલી-19-12-2017

અમરેલી જિલ્લાનો જનાદેશ સ્પષ્ટ છે. ભાજપ સાફ અને કોંગ્રેસ પાસ. અગાઉથી જ ધારણા રખાતી હતી કે અહી ભારતીય જનતા પાર્ટી નુકશાનમા રહેશે અને કોંગ્રેસ ફાયદામા રહેશે. જો કે પાંચે પાંચ સીટ મળી જશે તેવી કદાચ કોંગ્રેસ પણ ધારણા નહી રાખી હોય. પરંતુ જનતાએ ખોબલે ખોબલે મત આપ્યા. અને કોંગ્રેસની નાવડી પાર લગાવી દીધી. કોંગ્રેસની ઝોળી છલકાવી દીધી. ભુતકાળમા અમરેલી જિલ્લામા કોંગ્રેસે આવુ ઉજ્જવળ પરિણામ કયારેય મેળવ્યું નથી. ઉંધાડ, સંઘાણી અને સોલંકી એમ ભાજપના ત્રણ ત્રણ મહારથીઓ પરાજીત થાય તેવુ પહેલીવાર બન્યું. અહી પંચાયત, પાલિકામા ભાજપનુ જાણે અસ્તિત્વ નથી. અને હવે પાંચેય ધારાસભાની સીટ ગુમાવતા ભાજપ સાફ અને કોંગ્રેસ પાસની સ્થિતિ સર્જાઇ છે. રાજ્યની નજર અમરેલી સીટ પર મંડાયેલી હતી કારણ કે કોંગી તરફથી મુખ્યમંત્રીપદના દાવેદાર ગણાતા પરેશ ધાનાણી સામે ભાજપના દિગ્ગજ બાવકુ ઉંધાડની ટક્કર હતી અને આ જંગ જીતી જઇ પરેશ ધાનાણીએ બાવકુભાઇને 12029 મતની જંગી સરસાઇથી પરાજય આપ્યો હતો. અમરેલીના માર્ગો પર વિજય સરઘસ દરમિયાન લોકોએ પરેશ ધાનાણીને ફુલડે વધાવ્યા હતાં. અમરેલી સીટનો આ જંગ પ્રતિષ્ઠાભર્યો જંગ ગણાતો હતો. કારણ કે કોંગ્રેસને રાજ્યમાં સરકાર બનાવવાની આશા હતી અને એક તબક્કે મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે પરેશધાનાણીનું નામ ઉછળ્યુ હતું. તો બીજી તરફ છેલ્લી પાંચ ચુંટણીથી અપરાજીત રહેલા બાવકુભાઇ ઉંધાડ સામે તેની ટક્કર હતી. અમરેલી શહેરમાં ઉંધાડ તરફી માહોલ જોવા મળતો હતો. જે મતગણતરી દરમિયાન લીડમાં પણ નજરે પડયો હતો તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં પાટીદાર ઇફેક્ટ જોવા મળતી હતી.જેના પગલે આ મુકાબલો રોમાંચક બન્યો હતો.આજે મતગણતરી દરમિયાન પ્રથમ રાઉન્ડથી જ પરેશ ધાનાણીને લીડ મળવાની શરૂઆત થઇ હતી જે અંત સુધીજળવાઇ રહી હતી. પરેશ ધાનાણીને કુલ 87032 મત મળ્યા હતાં જ્યારે બાવકુભાઇ ઉંધાડને 75003 મત મળ્યા હતા. આમ પરેશભાઇ ધાનાણીને 12029 મતે વિજેતા જાહેર કરાયા હતાં. અહિં નોટામાં 2869 મત પડયા હતાં. રાજુલા સીટ પર સાત ઉમેદવારો મેદાનમાં હતાં. પરંતુ મુખ્ય ફાઇટ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હતી. ભાજપના દિગ્ગજ નેતા હિરાભાઇ સોલંકીને તેમના ગઢમાં જ હરાવવાની મુશ્કેલ જવાબદારી યુવા આગેવાન અંબરીશ ડેરે બખુબી પાર પાડી હતી. સવારે મત ગણતરી હાથ ધરવામાં આવતા પ્રથમ રાઉન્ડથી જ અંબરીશ ડેરે લીડ મેળવી લીધી હતી. રાજુલા વિસ્તારની ગણતરીમાં અંબરીશ ડેરને લીડ મળ્યા બાદ હિરાભાઇ સોલંકીને જાફરાબાદ વિસ્તારની ગણતરી દરમિયાન રીકવરીની આશા હતી પરંતુ આ વિસ્તારમાં પણ અંબરીશ ડેરની લીડ નિકળી હતી. અંબરીશભાઇને કુલ 88818 મત મળ્યા હતાં જ્યારે હિરાભાઇને 71099 મત મળતા અંબરીશભાઇ ડેરનો 12719 મતે વિજય થયો હતો. અન્ય કોઇ ઉમેદવારને અહિં નોંધપાત્ર મત મળ્યા ન હતા. લાઠી-બાબરા સીટનો જંગ પહેલેથી જ રોમાંચક ગણાતો હતો. પાટીદાર ઇફેક્ટ વચ્ચે ભાજપે ખોડલધામ મંદિરના દાતા ગોપાલભાઇ વસ્તરપરાને ટીકીટ આપી બેઠક અંકે કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ આજે મતગણતરી હાથ ધરાતા કોંગીના વિરજીભાઇ ઠુમ્મરે ગોપાલભાઇને 9343 મતે પરાજય આપ્યો હતો અને લાંબા સમય બાદ ફરી એકવાર ધારાસભ્યપદ મેળવ્યુ હતું. અગાઉ સાંસદ અને ધારાસભ્ય રહી ચુકેલા વિરજીભાઇ ઠુમ્મરે છેલ્લી ચાર ચુંટણીમાં પરાજયનો સામનો કરવો પડયો હતો. આજે વિજેતા જાહેર થયા બાદ કોલેજ બહાર સમર્થકોએ તેમને વિજયના જયઘોષ સાથે ઉચકી લીધા હતાં. બપોરે લાઠીમાં અને સાંજે બાબરામાં તેમનું ભવ્ય વિજય સરઘસ નિકળ્યુ હતું. આ બેઠક પર 71 મત રદ ગણવામાં આવ્યા હતાં. ધારી-બગસરા વિધાનસભા સીટ પર કોંગ્રેસના જે.વી. કાકડીયાએ 15336 મતે ભાજપના દિગ્ગજ દિલીપભાઇ સંઘાણીને હાર આપી હતી.
ગત વર્ષે પાટીદાર ઇફેક્ટના કારણે જ આ સીટ જીપીપીના ફાળે ગઇ હતી અને આ વખતે કોંગ્રેસના ફાળે ગઇ છે. આ બેઠક અંકે કરવા ભાજપે પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીને તેમનુ મતક્ષેત્ર બદલી અહિં મેદાનમાં ઉતાર્યા હતાં. આ વિસ્તારમાં પાટીદાર અનામત આંદોલનની તિવ્ર અસર હતી. પ્રથમથી જ સંઘાણી માટે આ સીટ મુશ્કેલ ગણાતી હતી અને જેમ જેમ મત ગણતરી આગળ ચાલતી ગઇ તેમ તેમ આ સીટ મજબુતીથી કોંગ્રેસના ફાળે જતી રહી હતી.ધારી સીટ પર જે.વી. કાકડીયાને 66644 મત મળ્યા હતાં જ્યારે દિલીપભાઇ સંઘાણીને 51308 મત મળ્યા હતાં આમ જે.વી. કાકડીયાનો 15336 મતે વિજય થયો હતો. સાવરકુંડલા-લીલીયા સીટ કબજે કરવા ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પક્ષે એડીચોટીનું જોર લગાવ્યુ હતું. ગત વખતે પણ કોંગ્રેસ તરફથી પ્રતાપ દુધાતે ઉમેદવારી કરી હતી પરંતુ ચાર પાંખીયા જંગમાં 2500 જેટલા મતથી પરાજય થયો હતો. પરંતુ આ વખતે પ્રતાપ દુધાતે કોઇ કસર રહેવા દીધી ન હતી. આજે મતગણતરી દરમિયાન પહેલા રાઉન્ડથી જ તેને લીડ મળવાની શરૂઆત થઇ હતી. મતગણતરી દરમિયાન લીડમાં અવાર નવાર ઉતાર ચડાવ જરૂર આવ્યા હતાં પરંતુ અંત સુધી તેની લીડ જળવાઇ રહી હતી અને મત ગણતરીના અંતે પ્રતાપ દુધાતનો 8531 મતે વિજય થયો હતો. ભાજપના કમલેશભાઇ કાનાણીને કુલ 57835 મત મળ્યા હતાં જ્યારે પ્રતાપભાઇ દુધાતને 66366 મત મળ્યા હતાં. નોટામાં 2989 મત ગયા હતાં. આ બેઠક પર કુલ 11 ઉમેદવારો મેદાનમાં હતાં પરંતુ અન્ય કોઇ ઉમેદવારને નોંધપાત્ર મતો મળ્યા ન હતાં.