Page Views: 59419

રાજપૂત સમાજના બ્રેનડેડ સંદીપસિંહ રાજેન્દ્રસિંહ દેસાઈના પરિવારે કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું

વૃદ્ધ માતાએ એકના એક લાડકવાયા દીકરાના અંગોનું દાન કરી માનવતા મહેકાવી

સુરત-12-12-2-17

નવસારીમાં ફોટોગ્રાફી અને વિડીઓગ્રાફી કરી પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરનાર સંદીપસિંહને ગુરુવાર, તા: ૦૭ ડીસેમ્બરના રોજ રાત્રે ૧૧:૩૦ કલાકે લકવાની અસર જણાતા પરિવારજનોએ તેમને શ્રદ્ધા હોસ્પીટલમાં ડૉ. અંકુર રાણા ની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે MRI કરાવતા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. શુક્રવાર, ૦૯ ડિસેમ્બરના રોજ સંદીપસિંહે માથામાં વધારે પડતા દુઃખાવાની ફરિયાદ કર્યા બાદ તેઓ બેભાન થઇ ગયા હતા. ફરી નિદાન માટે સીટી સ્કેન કરાવતા મગજમાં લોહીનો ગઠ્ઠો  જામી ગયો હોવાને કારણે મગજમાં સોજો વધી ગયો હતો . ત્યારબાદ તેમની તબિયત વધુ બગડતા અને શ્વાસ લેવામાં તકલીફ જણાતા તેમને વેન્ટીલેટર ઉપર મુકવામાં આવ્યા હતા.  

સોમવાર, તા: ૧૧ ડીસેમ્બરના રોજ ન્યુરોસર્જન ડૉ.મેહુલ મોદી, ફીજીશીયન ડૉ.અંકુર રાણા અને ઇનટેન્ટસીવીસ્ટ ડૉ. પ્રિયાંક ગાંધીએ સંદીપસિંહને બ્રેનડેડ જાહેર કર્યા હતા. ડૉ. અંકુર રાણાએ ટીમ ડોનેટ લાઈફનો ટેલીફોનીક સંપર્ક કરી સંદીપસિંહના બ્રેનડેડ અંગેની જાણકારી આપી હતી.           ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી સંદીપસિંહના પિતરાઈ બહેન હેતલની સાથે રહી  તેમની માતા પુષ્પાબેન, બહેનો નિશા અને જાગૃતિ, બનેવી પ્રવીણસિંહ અને હીરલભાઈ તથા પરિવારના અન્ય સભ્યોને ઓર્ગન ડોનેશનની જાણકારી આપી ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવ્યું હતું.

સંદીપસિંહના માતાએ જણાવ્યું કે તેમનો દીકરો હંમેશા લોકોની સેવા માટે તત્પર રહ્યો છે. હું વારંવાર વર્તમાન પત્રોમાં ઓર્ગન ડોનેશન અંગેના સમાચારો વાંચતી હતી. આજે જયારે મારો લાડકવાયો એકનો એક દીકરો બ્રેનડેડ છે ત્યારે તેના અંગોનું દાન કરી કોઈકના લાડકવાયાને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નીલેશ માંડલેવાલાએ અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડો. પ્રાંજલ મોદીનો સંપર્ક કરી  કિડની  તથા  લિવરનું દાન લેવા આવવા માટે જણાવ્યું. અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડો. સુરેશ કુમાર અને તેમની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન નવસારી રોટરી આઈ ઇન્સ્ટીટયુટએ સ્વીકાર્યું.  દાનમાં મેળવવામાં આવેલી કિડની પૈકી એક કિડની કડી ના રહેવાસી રાકેશ રમેશભાઈ શાહ ઉ.વ. ૪૫ માં અને બીજી કિડની પાલનપુરના રહેવાસી કાન્તી એસ. માલીટાંક ઉ. વ. ૨૬ માં, જયારે લિવર નું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી રવિન્દ્રકુમાર હુકમચંદ્ર અગ્રવાલ ઉ. વ. ૪૬ માં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) માં ડૉ. પ્રાંજલ મોદી, ડૉ. જમાલ રીઝવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.અંગદાન મેળવવાની સમગ્ર પ્રક્રિયામાં સંદીપસિંહના માતા પુષ્પાબેન, બહેનો નિશા અને જાગૃતિ, બનેવી પ્રવીણસિંહ વાંસિયા અને હિરલભાઈ પટેલ, પિતરાઈ બહેનો હેતલ, ઝંખના, પારૂલ અને પરિવારના અન્ય સભ્યો, ફીજીશીયન ડૉ. અંકુર રાણા, ન્યુરોસર્જન ડૉ. મેહુલ મોદી, ઈન્ટેન્ટસીવીસ્ટ ડૉ. પ્રિયાંક ગાંધી,        પીડીયાસ્ટ્રીશિયન ડૉ. જીગ્નેશ ભગત મેડીકલ ઓફિસર ડૉ. અવિનાશ વાઘ, શ્રદ્ધા હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના પ્રમુખ નીલેશ માંડલેવાલા, ટ્રસ્ટી હેમંત દેસાઈ, સુભાષ જોધાણી, યોગેશ પ્રજાપતિ અને જીતેન્દ્ર મોરેનો સહકાર સાંપડ્યો હતો.

 

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી બ્રેનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી નીલેશ માંડલેવાલા અને ડોનેટ લાઈફ દ્વારા ૨૩૦ કિડની, ૯૨ લીવર, ૬ પેન્ક્રીઆસ, ૧૬ હૃદય અને ૧૯૨ ચક્ષુઓનો દાન મેળવીને ૫૩૩ વ્યક્તિઓને નવજીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી છે.