Page Views: 34794

ફોર્મના અંતિમ દિવસે અપક્ષોએ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોને પરસેવો પડાવ્યો

અપક્ષોની લગ્નખર્ચ સહિત ડિમાન્ડ પૂર્ણ કરાઇ, અમદાવાદમાં ૪૫ ફોર્મ પાછા ખેંચાયા,૧૬૨ ઉમેદવારો મેદાનમાં

અમદાવાદ:-

         ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષોનો રાફડો ફાટયો છે. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે અપક્ષોને ચૂંટણી ન લડવા મથામણ કરવી પડી હતી. એટલું જ નહીં, ચૂંટણીમાં ઉમેદવારી નહીં નોધાવવા રીતસરનો ભાવ બોલાયો હતો. ફોર્મ પરત ખેંચાવતા ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ રાજકીય ખેલ ખેલવા મજબૂર થવુ પડયું હતું.

        સૂત્રો કહે છેકે, આ વખતે એક એક બેઠક પર ઓછામાં ઓછા ૧૫-૨૦ અપક્ષોએ ચૂંટણી મેદાને ઝુકાવ્યું છે.અપક્ષોની ભરમારને પગલે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો માટે મુશ્કેલી સર્જાઇ હતી કમ કે, ૩-૫ હજારની લીડની હારજીતમાં અપક્ષો મત તોડે તો જીત હારમાં ફેરવાઇ શકે છે. આ કારણોસર ભાજપ-કોંગ્રેસના વગદાર, પૈસાદાર ઉમેદવારો અપક્ષોને ચૂંટણી મેદાન છોડવા તેમની મહેચ્છા પૂર્ણ કરતા હોય છે. અપક્ષો ય ચૂંટણીની તકનો લાભ મેળવી લગ્નખર્ચ,મકાન,કાર,મોંધી ગિફ્ટ અથવા રૃા.૨૦-૫૦ લાખ રોકડ ઉમેદવાર પાસેથી મેળવી લે છે. ફોર્મ ભરવાના અંતિમદિવસે આવા ઘણાં રાજકીય ખેલ પડયાં હતાં. નેતાઓની ભલામણ,રાજકીય લાલચોને પગલે અપક્ષોએ પોતાની તલવાર મ્યાન કરી લીધી હતી જેથી ઉમેદવારોએ રાહત અનુભવી છે. ઉલ્લેખનીય છેકે,ગુજરાતભરમાં ૫૨ પક્ષોના ૪૪૨ અપક્ષોએ દાવેદારી નોંધાવી હતી. ફોર્મ ભરવાની અંતિમ તારીખે અમદાવાદમાંથી કુલ મળીને ૪૫ ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતાં. હવે અમદાવાદ શહેર-જિલ્લામાં કુલ મળીને ૧૬૨ ઉમેદવારો ચૂંટણી મેદાને રહ્યાં છે. ઘણાં અપક્ષો ભાજપ-કોંગ્રેસની લાલચમાં આવ્યાં વિના અડગ રહ્યાં છે. અમદાવાદમાં દરિયાપુરમાંથી ૧૧,વેજલપુરમાંથી ૮,વટવામાંથી ૯ ફોર્મ પરત ખેંચાયા હતાં. જોકે,છેલ્લા ચારેક દિવસ દરમિયાન, મણિનગર, અસારવા, ઘાટલોડિયા, સાબરમતીમાંથી એકેય ફોર્મ પરત ખેચાયુ નથી.