Page Views: 25100

પાટીદારોનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં IBની ટીમો તૈનાત

કાયદો વ્યવસ્થા ખોરવવાની ભીતિઃ ટોળાશાહીની ઘટનાઓ અટકાવવા કવાયત

નવી દિલ્હી:-

        ચૂંટણી નજીક આવતા પાટીદાર આંદોલનકારોનું જોર વધી રહ્યું હોય એવુ લાગી રહ્યું છે. પાટીદાર યુવાનો દ્વારા તોફાન કે તોડફોડના જે બનાવો બની રહ્યા છે તે જોતા પોલીસને ૨૦૧૫માં GMDCગ્રાઉન્ડમાં અનામત મુદ્દે યોજાલેલી સભા પછી જે રીતે કાયદો અને વ્યવસ્થા ખોરવાયા હતા તેવી જ સ્થિતિ ફરી ઊભી થવાનો ડર પેસી ગયો છે. આ જ કારણે રાજકીય પક્ષો દ્વારા જે શેરી સભા કે લોકસંપર્ક કાર્યક્રમો ગોઠવાઈ રહ્યા છે તેમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવાનું પ્લાનિંગ કરી રહી છે. ખાસ કરીને ઉમેદવારો ફોર્મ ભરવા જાય ત્યારે બબાલ ટાળવા માટે પાટીદારોનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં પોલીસની ચાંપતી નજર છે. આ ઉપરાંત આ વિસ્તારોની હિલચાલ પર નજર રાખવા IBની સ્પેશિયલ બ્રાન્ચની ટીમો પણ તૈનાત છે.

   ઉલ્લેખનીય છે કે રવિવારે રાત્રે PAASના દિનેશ બાંભણિયા અને કાર્યકરો કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીના બંગલે પહોંચ્યાની જાણ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. બંગલામાં પ્રવેશ મુદ્દે બાંભણિયાની પોલીસ અધિકારીઓ સાથે બોલાચાલી થઈ ગઈ હતી અને પાટીદાર યુવાનોએ પોલીસ સાથે બેફામ અને ઉદ્ઘત વર્તન કર્યાની પણ સ્ટેશન ડાયરીમાં નોંધ લેવાઈ છે. ત્યાર પછી કોંગ્રેસ પ્રમુખના બંગલે પણ પોલીસ તૈનાત છે. ચૂંટણી નજીક આવતા આગામી દિવસોમાં રાજકીય આગેવાનોને તેમની માંગણી મુજબ સુરક્ષા આપવામાં આવશે.