Page Views: 20055

ગુજરાતની ચૂંટણી પાછળ ખર્ચાશે રૂ. ૫૫૦ કરોડ

જોકે, હજુ ફન્ડીંગ અંગે ભાજપ-કોંગ્રેસનું મૌનઃ બિનસત્તાવાર રીતે જંગી ખર્ચ થવાની ધારણા

 નવી દિલ્હી:-

         ગુજરાત વિધાનસભાની ચૂંટણી કેન્દ્ર સરકાર, ભાજપ અને કોંગ્રેસ માટે કરો યા મરોનો જંગ બની રહેવાની છે. પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી આ ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવતા જશે તેમ તેમ રાજકીય પક્ષો નાણાનો ધોધ પ્રચાર પાછળ વરસાવવા લાગશે. કોઈપણ ચૂંટણી પાછળ કેટલો ખર્ચ થશે? તેનો અંદાજ નિકળી શકતો નથી પરંતુ આવતા મહિને યોજાનારી ચૂંટણી પાછળ ૫૫૦ કરોડનો ખર્ચ થાય તેવી શકયતા છે. ભારતીય ચૂંટણી પંચ પાસે આ ચૂંટણી માટે રૂ. ૨૫૦ કરોડનું બજેટ છે, જ્યારે રાજકીય પક્ષો રૂ. ૩૦૦ કરોડનો ખર્ચ કરશે. રાજકીય પક્ષો ઉપરાંત ઉમેદવારો પણ પોતાની રીતે ચૂંટણી પ્રચાર માટે ખર્ચ કરશે જે પક્ષના ખાતામાં નહી જાય. વ્યકિતગત રીતે કોઈપણ ઉમેદવાર માટે ખર્ચની મર્યાદા રૂ. ૨૮ લાખ છે.

          ગુજરાતના મુખ્ય ચૂંટણી ઓફિસર બી.બી. સ્વાઈનનું કહેવુ છે કે ૨૦૧૨માં ચૂંટણી પંચે ગુજરાતની ચૂંટણી પાછળ ૧૭૫ કરોડનો ખર્ચ કર્યો હતો. આ વખતે અમને રૂ. ૨૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. ભાજપે ૨૦૧૨માં ૧૨૪ કરોડ તો કોંગ્રેસે રૂ. ૭૨.૬૬ કરોડનો ખર્ચ કર્યો હતો તેવુ પંચને જણાવવામાં આવ્યુ હતું.૨૦૧૨ની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસને રૂ. ૭૧.૫૩ કરોડનું દાન મળ્યુ હતુ. ચૂંટણી પંચને સોંપવામાં આવેલા હિસાબો દર્શાવે છે કે, ભાજપ પ્રદેશ એકમ પાસે રૂ. ૧૭૦ કરોડનું ૨૦૧૧-૧૨માં બેલેન્સ હતુ. તેને રૂ. ૫૩.૨૯ કરોડનું દાન મળ્યુ હતુ અને તેણે આ ગાળામાં રૂ. ૧૨૪.૪૪ કરોડનો ખર્ચ કર્યો હતો. ચૂંટણીના હિસાબો બંધ થવાના દિવસે પક્ષ પાસે ૧૫૬.૬૦ કરોડનું બેલેન્સ હતુ.