Page Views: 10044

રાજ્યની જીઆઇડીસીના પ્લોટ હોલ્ડરોના બાકી લેણા ભરવામાં મોટી રાહત- 31 ડિસેમ્બર સુધી ઓટીએસ

ખાણ ખનીજ વિભાગ અને જીઆઇડીસી એચ ઓ દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો

સુરત-11-10-2017 
રાજ્ય ભરમાં આવેલી જીઆઇડીસીમાં ભૂતકાળમાં પ્લોટ ખરીદનારા ઉદ્યોગકારો ઉપર છેલ્લા કેટલાક સમયથી મુળ માલિક દ્વારા 
બાકી લેણા ભરવામાં ન આવ્યા હોય એવી રકમ વ્યાજ સાથે ભરવાનું ભારણ આવ્યું હતું. સચીન જીઆઇડીસીના ઉદ્યોગકારોને 
પણ આવો પ્રશ્ન આવતા આ અંગે રજૂઆતો કરવામાં આવી હતી અને રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક પ્રતિસાદ આપીને 
આ પ્રશ્નના નિરાકરણ માટે ઓટીએસ (વન ટાઇમ સેટલમેન્ટ યોજના) માટે પરિપત્ર જારી કરીને એક યોજના  અમલમાં મુકી છે. 
મળતી વિગતો અનુસાર, સચીન જીઆઇડીસીના એક પ્લોટ હોલ્ડર દ્વારા વર્ષ 1994માં ફાઇલ ઉપર રૂ.3 લાખ લેણા બોલતા હતા આ પ્લોટ 
હોલ્ડરે જેમની પાસેથી પ્લોટની ખરીદી કરી તે મુળ માલિકને આ રકમ જીઆઇડીસીમાં જમા કરાવવાની હતી. જે અંગે 
પ્લોટ ખરીદનાર અજાણ હોવાથી તેમને વર્ષ 2017માં વ્યાજ અને ચક્રવૃધ્ધી વ્યાજ સાથે રૂ.15 લાખ ભરવાના થાય છે એવી જાણકારી 
ખાણ ખનીજ અને જીઆઇડીસી હેડ ઓફિસ દ્વારા આપવામાં આવી હતી. આ ઉદ્યોગકારે સચીન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપ. સોસા. લી.ના 
સેક્રેટરી મયુર ગોળવાળા સહિતના અગ્રણીઓને જાણ કરતા તેમના દ્વારા ગાંધીનગર ખાતે રજૂઆતો કરવામાં આવી હતી. 
સચીન ઉપરાંત રાજ્યની અન્ય કેટલીક જીઆઇડીસીઓમાં પણ આ પ્રકારની સમસ્યાને કારણે ઉદ્યોગકારો રકમ ભરવા માંગતા હોવા છતા 
પરેશાની થતી હોવાનું ધ્યાન પર આવતા આખરે રાજ્યના ખાણ ખનીજ વિભાગ અને જીઆઇડીસી એચ ઓ દ્વારા તાજેતરમાં જ એક પરિપત્ર 
બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રની જોગવાઇ પ્રમાણે આવી સમસ્યા ધરાવતા પ્લોટ હોલ્ડરો આગામી તા.31મી ડિસેમ્બર સુધીમાં 
પોતાના પ્લોટની રકમ અંગે સરકાર દ્વારા ધારા ધોરણ પ્રમાણે જે રાહતો આપવામાં આવે તે ભરપાઇ કરવાની જાણકારી આપવામાં આવી છે. 
આ નિર્ણયને પગલે લાંબા સમયથી પરેશાનીનો સામનો કરતા ઉદ્યોગકારોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.