Page Views: 8943

ઘરેલુ હિંસાનો ભોગ બનનાર પરિણીતાને રહેઠાણની સુવિધા આપવા આદેશ

દિયર અને સાસુએ કોર્ટના હુકમ બાદ પણ પરિણીતાને ઘરમાં આવવા દીધી ન હતી

સુરત-11-10-2017 
શહેરના આનંદ મહેલ રોડ પર રહેતી એક પરિણીતા ઘરેલુ હિંસાનો ભોગ બની હતી. આ પરિણીતાના 
પતિને કોર્ટે એવો હુકમ કર્યો હતો કે, તેણે મકાન ભાડું ચુકવી આપવા સાથે અરજી ખર્ચની રકમ પણ આપવી. 
વિગતો અનુસાર, આનંદમહેલ રોડ પર રહેતી રીના દેસાઇના લગ્ન વલસાડ ખાતે રહેતા રાકેશ દેસાઇ સાથે 
થયા હતા. લગ્ન બાદ રીના દેસાઇને તેના સાસરીયા શારિરિક માનસિક ત્રાસ આપતા હોવાથી તેણે સુરત કોર્ટમાં 
ઘરેલુ હિંસા અધિ નિયમ અંતર્ગત અરજી કરી હતી. જો કે, આ સમયગાળામાં જ તેના સસરાનું અવસાન થયું હતું. 
કોર્ટ દ્વારા રીના દેસાઇના સાસરીયાઓને એવો હુકમ કરવામાં આવ્યો હતો કે, અરજદારને 
કૌટુંબિક હિંસા થાય એવુ કૃત્ય કરવું નહીં પરંતુ કોર્ટના હુકમ પછી પણ રીના દેસાઇને તેની સાસુ અને દિયરે 
ઘરમાં પ્રવેશ કરવા દીધો ન હતો. જ્યારે રાકેશ દેસાઇ નાસતો ફરે છે તેથી કોર્ટના હુકમનું પાલન પણ થવા દેતો નથી.
અરજદાર રીના દેસાઇએ પોતાના એડવોકેટ પ્રીતિબેન જોશી મારફત અરજી દાખલ કરીને સુરતમાં અલગ મકાન માટે 
માંગણી કરી હતી. આ કેસમાં તેરમા એડી.સિની.સિવિલ જજ શ્રી એસ.એલ. મહેતાએ એડવોકેટ પ્રીતિબેન જોશીની દલીલોને 
ગ્રાહ્ય રાખી અને સામાવાળાને એવો આદેશ આપ્યો હતો કે, તેણે રીના દેસાઇ અને તેમનો પુત્ર સુરતમાં રહી શકે એવી વ્યવસ્થા 
કરવી અને અરજી કર્યા તારીખથી ભાડા પેટે પ્રતિ મહિનાના રૂપિયા બે હજાર ચુકવવા હુકમ કર્યો હતો. ઉપરાંત અરજી ખર્ચના અલગથી 
રૂપિયા 2500 ચુકવવા પણ આદેશ કર્યો હતો.