Page Views: 17401

હેપ્પી બર્થ ડે પદ્મશ્રી ખુબસુરત રેખાજી...

ખુબ સુરત રેખાજીની બ્યુટીનો રાજ છે મેક-અપ, ડ્રેસ સેન્સ, એક્ટિંગ ટેકનીક તથા યોગ સાથે શિસ્તબદ્ધ, નિયમિત જીવન

નરેશ કાપડિયા દ્વારા

 

હિન્દી ફિલ્મોના ખુબસુરત અને પ્રતિભાશાળી અભિનેત્રી રેખાનો ૬૩મો જન્મ દિવસ. ૧૦ ઓક્ટોબર, ૧૯૫૪ના દિવસે ચેન્નાઈમાં તેમનો જન્મ. તેમના અભિનયની બહુવિધ પ્રતિભાને કારણે તેઓ હંમેશા માનપાત્ર રહ્યાં છે. પોતાની ચાલીસ વર્ષની કારકિર્દીમાં રેખાજીએ ૧૮૦થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમની મોટા ભાગની ભૂમિકાઓ નારીપ્રધાન રહી છે. તેમને ત્રણ ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં છે, ‘ખુબસુરત’ અને ‘ખૂન ભરી માંગ’માં શ્રેષ્ઠ અભિનેત્રી અને ‘ખિલાડીઓ કા ખિલાડી’ માટે સહાયક અભિનેત્રીના. તેમની ‘ઉમરાવજાન’ (૧૯૮૧)ની ભૂમિકા માટે રેખાને શ્રેષ્ઠ અભિનેત્રીનો  રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો અને ૨૦૧૦માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં.

તમિલ સ્ટાર જેમિની ગણેશન અને તેલુગુ અભિનેત્રી પુષ્પાવલીને ત્યાં રેખાનો ચેન્નાઈમાં જન્મ થયો હતો. રેખાના જન્મ સમયે તેમના મા-બાપનાં લગ્ન થયા નહોતા. તેમના બાળપણમાં પિતાએ પિતૃત્વ સ્વીકાર્યું નહોતું. તેમને એક રીયલ બેન, એક હાફ ભાઈ અને પાંચ હાફ સિસ્ટર્સ છે. રેખાજીએ એક મેગેઝીનને મુલાકાતમાં કહ્યું હતું કે તેમના પિતાના વર્તનની તેમના પર કાયમી અસર છે અને તેમણે સંબંધ જાળવવાના કરેલા પ્રયાસને રેખાએ ગણકાર્યા નહોતા. ચેન્નાઈની જાણીતી ચર્ચ પાર્ક કોન્વેન્ટમાં શિક્ષણ લેનાર રેખા તેલુગુને તેમની માતૃભાષા ગણાવે છે. તેઓ હિન્દી, તમિલ અને અંગ્રેજી સડસડાટ બોલે છે. રેખાને અભિનેત્રી બનવામાં રસ નહોતો પણ પરિવારની મુશ્કેલ આર્થિક સ્થિતિને કારણે ભણવાનું છોડીને અભિનય કરવો પડ્યો હતો.

તેલુગુ ફિલ્મમાં ૧૯૬૬માં બાળકલાકાર અને ૧૯૬૯માં રાજકુમાર સામે કન્નડ ફિલ્મ ‘ઓપરેશન જેકપોટ નાલ્લી સીઆઈડી ૯૯૯’માં તેઓ નાયિકા બન્યા હતાં. તેજ વર્ષે બિશ્વજીત સામે હિન્દી ફિલ્મ ‘અંજાના સફર’માં કામ કર્યું. રેખાએ કહેલું, એ ફિલ્મમાં ટ્રિકથી વિદેશી બજાર માટે તેમનું ચુંબન દ્રશ્ય ફિલ્માવાયું હતું, તેથી તે ફિલ્મ ‘લાઈફ મેગેઝીન’માં ચમકી હતી, સેન્સરમાં દસ વર્ષ અટવાઈને ૧૯૭૯માં નવા શીર્ષક ‘દો શિકારી’ રૂપે આવી હતી.

રેખાનો શરૂઆતી સમય કપરો હતો. તેઓ ટીનએજર હતાં, હિન્દી ભાષા અને માહોલથી અપરિચિત હતાં, માતા ખરાબ રીતે માંદા હતાં, પૈસા માટે કામ કરવાનું હતું, વળી તેમણે સખત ડાયેટિંગ કરવાનું હતું. ત્યારે તેમને મુંબઈ જંગલ જેવું લાગેલું, જેમાં તેમણે વગર હથિયારે આગળ વધવાનું હતું. જોકે પાછળથી એ અંગે કોઈ કડવાશ ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

રેખાની નાયિકા તરીકે એક સાથે બે પહેલી ફિલ્મો રજૂ થઇ હતી. તેલુગુમાં ‘અમ્મા કોસામ’ અને હિન્દીમાં ‘સાવન ભાદોં’. હિન્દી ફિલ્મે તેમને રાતોરાત સ્ટાર બનાવી દીધાં. જોકે તેઓ ગ્લેમર ગર્લ હતાં. ‘રામપુર કા લક્ષમણ’ અને ‘કહાની કિસ્મત કી’ તથા ‘પ્રાણ જાયે પર વચન ન જાયે’ હીટ થઇ ત્યારે પણ તેમના શ્યામ વરણ, ભદ્દા શરીર અને વિચિત્ર કપડાને કારણે લોકો-પત્રકારોને નવાઈ લાગતી હતી. રેખા કહે છે, ‘મને તેઓ અગ્લી ડકલિંગ’ કહેતા. મને ત્યારની અભિનેત્રીઓ સાથે સરખાવતા ત્યારે ખુબ ખરાબ લાગતું. પણ તેમાંથી જ મેં શક્તિ મેળવી, મારે ખુબસુરત અને પ્રતિભાવાન બનવું હતું.’

હવે રેખાએ તેમના શરીર, મેક-અપ, ડ્રેસ સેન્સ, એક્ટિંગ ટેકનીક અને હિન્દી ભાષા તથા યોગ પર ધ્યાન આપ્યું અને વાત બનવા માંડી. શિસ્તબદ્ધ, નિયમિત જીવન જીવ્યાં, ફિલ્મો અને સાથી કલાકાર વિશે કાળજી લીધી અને આવી અમિતાભ બચ્ચન સાથેની ‘દો અંજાને’.હવે બધું જ બદલાઈ ગયું હતું. ‘ઘર’ (૧૯૭૮)થી જાણે નવી રેખા આવી. તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનું નામાંકન મળ્યું. ‘મુકદ્દર કા સિકંદર’ને અપ્રતિમ સફળતા મળી.

એંશીના દાયકામાં હૃષીદાની ‘ખુબસુરત’ આવી. યશજીની ‘સિલસિલા’માં તેઓ અપ્સરા જેવાં લાગ્યાં. ‘ઉમરાવજાન’, ‘બસેરા’, ‘એક હી ભૂલ’, ‘જીવન ધારા’, શ્યામ બેનેગલની ‘કલયુગ’ કે નિહાલાનીની ‘વિજેતા’ કે કર્નાડની ‘ઉત્સવ’ કે ગુલઝારની ‘ઇઝાજત’ યાદગાર રહી. ‘ખુન ભરી માંગ’માં ફરી એવોર્ડ મળ્યો. હવે તેઓ પોતાનું કામ માણતા થયા હતાં.

રેખાજીએ વિનોદ મેહરા સાથે ૧૯૭૩માં લગ્ન કર્યા હતાં? ના. તેમને ૨૦૦૪માં ટેલીવિઝન ઇન્ટરવ્યુમાં સિમીને કહ્યું હતું કે ‘અમે લગ્ન નહોતા કર્યા, તેઓ મારા ‘શુભેચ્છક’ હતાં. હાલ રેખાજી વાંદરામાં એકલા રહે છે.

રેખાના જાણીતા ગીતો: કાન મેં ઝૂમખા (સાવન ભાદો), ઇન આંખો કી મસ્તી (ઉમરાવજાન), દેખા એક ખ્વાબ (સિલસિલા), સલામ એ ઈશ્ક મેરી જાન (મુકદ્દર કા સિકંદર), માર ગઈ મુઝે તેરી (જુદાઈ), પરદેસીયા યે સચ હૈ પિયા (મિ. નટવરલાલ), તેરે બિના જીયા જાયે ના (ઘર), પિયા બાવરી (ખુબસુરત), મન કયું બેહકા રે બેહકા (ઉત્સવ), હમે ઔર જીને કી (અગર તુમ ન હોતે), અપને અપને મિયાં પે (અપના બના લો), આઈ કરકે સિંગાર (દો અંજાને),ગુમ હૈ કિસી કે પ્યાર મેં (રામપુર કા લક્ષમણ), રફ્તા રફ્તા દેખો (કહાની કિસ્મત કી).