Page Views: 3323

દિવાળી વેકેશનને કારણે હવાઇયાત્રા મોંઘીઃ કિંમતમાં ૩૫% સુધી વધારો

અમદાવાદ-ગોવા રૂ. ૯૩૦૦: અમદાવાદ-મુંબઇ ૪૯૦૦, અમદાવાદ-દિલ્હી ૧૦૫૦૦

અમદાવાદ:

        તહેવારોની સીઝન અને વેકેશનને કારણે ઈકોનોમી કલાસની હવાઈયાત્રાના ભાવ આસમાને પહોંચ્યા છે. જો તમે એડવાન્સ બુકિંગ નથી કરાવ્યું અને તાત્કાલિક બુકિંગ કરાવવાના છો તો વધારે ખર્ચો કરવાની તૈયારી રાખશો. કારણકે ૧૭મી ઓકટોબરથી ૨૩મી ઓકટોબર સુધી લગભગ દરેક જગ્યાની ફલાઈટની ટિકિટ ૩૫ ટકા વધી ગઈ છે.

    પર્યટન સ્થળો અને પર્યટન સ્થળોને કનેકટ કરતા સ્થળોની ટિકિટની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો છે. ઉદાહરણ તરીકે, સામાન્ય રીતે જો તમે ટ્રાવેલિંગના અઠવાડિયા પહેલા દિલ્હીની ટિકિટ બુક કરાવો છો તો તમને ૬૫૦૦ રુપિયા ખર્ચ થશે. જયારે અત્યારે તમે દિવાળીના બે અઠવાડિયા પહેલા પણ બુક કરાવશો તો તમારે ૧૦,૫૦૦ રુપિયા ખર્ચો કરવો પડી શકે છે. ટ્રાવેલ એજન્ટ્સ એન્ડ ટૂર ઓપરેટર્સ અસોસિએશન ઓફ ગુજરાતના સેક્રેટરી અનુજ પાઠક જણાવે છે કે, તહેવારોની સીઝનમાં ટ્રાવેલ કરનારા લોકોની સંખ્યા ઘણી વધી જાય છે. આ સિવાય ઘણાં ટિકિટ એજન્ટ્સ બલ્કમાં ટિકિટ ખરીદી લે છે. વેકેશનને ધ્યાનમાં રાખીને ગોવા, બેંગ્લોર, મુંબઈ જેવા સ્થળોની ટિકિટોના ભાવ ઘણાં વધી ગયા છે. ટાઈમ સ્લોટ, ટિકિટની અવેલિબિલિટી અને ડિમાન્ડને ધ્યાનમાં રાખીને એરલાઈન્સ કિંમતમાં ફેરફાર કરતી હોય છે. અમદાવાદની એક ટ્રાવેલ કંપનીના મેનેજિંગ ડિરેકટર મનિશ શર્મા કહે છે કે, આ વખતે એર ટ્રાવેલની ટિકિટ લગભગ ૩૫થી ૪૦ ટકા વધી છે. ઘણાં લોકોએ આના કારણે પોતાના ટ્રાવેલ પ્લાન્સ બદલ્યા છે અને રોડ ટ્રિપના ઓપ્શન તરફ વળ્યા છે.