Page Views: 9291

માજી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ચૂંટણી નહીં લડે- અમીત શાહને પત્ર લખ્યો

અમદાવાદની ઘાટલોડીયા બેઠક પરથી સ્થાનિક યુવા આગેવાનને તક આપવા કરી ભલામણ

અમદાવાદ :-9-10-2017

પાટીદાર અનામત આંદોલનને કારણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપનારા ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પક્ષપ્રમુખ અમીત શાહને એક પત્ર લખી આગામી વિધાનસભાની ચુંટણી નહી લડવાની ઇચ્છા વ્યકત કરી છે.

      પક્ષપ્રમુખને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું છે કે ભાજપે ૭પ વર્ષની પોલીસી નક્કી કરી છે અને હું ૭પ વર્ષ પાર કરી ગઇ હોવાથી મારે ચુંટણી લડવી નથી. તેમણે પત્રમાં એવું પણ જણાવ્યું છે કે મારી ઘાટલોડીયા બેઠકથી અન્ય કોઇ સ્થાનિક કાર્યકરને ટીકીટ આપવામાં આવે.

      પત્રમાં તેમણે ઉમેર્યુ છે કે, પક્ષમાં મારા જેવા વરિષ્ઠ નેતાઓને બદલે યુવા નેતાઓને આગળ કરવાની જરૃર છે. 

      અત્રે નોંધનીય છે કે, ભાજપે થોડા સમય પહેલા એવું નકકી કર્યુ હતુ કે ૭પ વર્ષની ઉંપરના નેતાઓએ ચુંટણી ન લડવી, આનંદીબેન પટેલ પક્ષના આ સિધ્ધાંતને સ્વીકારી રહયા છે અને તેમણે ચુંટણી નહી લડવાની જાહેરાત કરી છે. આનંદીબેને પત્રના અંતે જણાવ્યું છે કે, હું૧૯૯૮ થી ભાજપના ધારાસભ્ય પદે રહી છુ, અને મે દરેક જવાબદારી નિષ્ઠા પુર્વક બજાવી છે.

      આનંદીબેને ચુંટણી નહી લડવાની કરેલી જાહેરાત બાદ હવે હાઇકમાન્ડ તેમને કંઇ જવાબદારી સોંપે છે તે જોવાનું રહયું.

 અત્રે નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી એક ટવીટ કરી આનંદીબેનને મુખ્યમંત્રી બનાવવા જોઇએ એવું જણાવ્યું હતુ જે પછી જોરશોરથી વાત થતી હતી કે આનંદીબેન ચુંટણી લડશે તેઓ ભાવી મુખ્યમંત્રી બનશે. પરંતુ આજે તેમણે આ બધા ઉપર પુર્ણ  વિરામ મુકી ચુંટણી નહી લડવાની ઇચ્છા વ્યકત કરી છે.