Page Views: 18223

આજથી રાહુલ ગાંધી ત્રણ દિવસના મધ્યગુજરાત પ્રવાસે

42 વિધાનસભા મત વિસ્તારોમાં 500 કિલોમીટરનો કરશે પ્રવાસ

અમદાવાદ:-

                વડાપ્રધાન જ્યારે ગુજરાતમાંથી કાલે જ વિદાય થયા છે ત્યારે ફરીથી રાહુલ ગાંધી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા છે.  ગુજરાત વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ અને ભાજપા બંને માટે નાકનો સવાલ છે. પ્રવાસ દરમિયાન રાહુલ સંતરામ મંદિરમાં શીશ ઝૂકાવશે ત્યારબાદ કરમસદમાં સરદારવલ્લભ પટેલના જન્મસ્થળની લેશે મુલાકાત,ફાગવેલમાં સભાઓ ગજવશે.  

                સૂત્રોના જણાવ્યા મુજબ રાહુલ ગાંધી પ્રથમ દિવસે અમદાવાદ, ખેડા, આણંદ અને વડોદરાના વિસ્તારોને આવરી લેશે. જેમાં રાહુલ ગાંધી ખાત્રજ ચોકડી ખાતે સૌ પ્રથમ સ્થાનિકો સાથે સંવાદ કરશે. ત્યારબાદ ખેડાના જીભાઈપુરા ખાતે અમુલના કર્મચારીઓને મળશે. ત્યાંથી તેઓ બપોરે ૧ કલાકે નડિયાદના સંતરામ મંદિરમાં દર્શન કરી, સ્થાનિકો સાથે ચર્ચા કરીને બપોરે ૧.૪૫ કલાકે સરદાર સાહેબના જન્મસ્થાનની મુલાકાત લેશે, ત્યાર બાદ તેઓ આણંદ જશે. આણંદમાં રણછોડ મંદિર ચોકમાં યાત્રાના સ્વાગત બાદ દેદાદરા ખાતે દૂધ મંડળીની મહિલાઓ સાથે સંવાદ કરશે. સાંજે ૪.૩૦ કલાકે આંકલાવ થઈને રાહુલનો કાફલો વડોદરા પહોંચશે. વડોદરામાં સાંજે ૫.૧૫ કલાકે સયાજી હોલ ખાતે વેપારીઓ, ઉદ્યોગ સાહસિકો અને ડોક્ટર, સી.એ., એન્જિનિયર સહિતના પ્રોફેશનલ્સ સાથે વાર્તાલાપ કરીને વડોદરામાં રાત્રી રોકાણ કરશે.