Page Views: 1928

૩ કલાકથી વધારે ટ્રેન લેટ થશે તો ઇ-ટિકિટ લેનાર પેસેન્જર્સને ૧૦૦% રિફન્ડ

ઓનલાઇન ટિકિટ સુવિધા અંતર્ગત ઇ-ટિકિટનું વેચાણ વધારવા રેલવે બોર્ડે નવો આદેશ આપ્યો

નવી દિલ્હી:

         ઓનલાઈન ટિકિટ સુવિધા અંતર્ગત ઈ-ટિકિટનું વેચાણ વધારવા રેલવે બોર્ડે એક નવો આદેશ આપ્યો છે. તેના અંતર્ગત ૩ કલાક કરતા ટ્રેન વધારે લેટ થઈ તો ઈ-ટિકિટ લેનાર પેસેન્જર્સને ૧૦૦ ટકા રિફન્ડ આપવામાં આવશે. તે માટે પેસેન્જરે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈને ઓનલાઈન ટીડીઆર ભરવાનું રહેશે. તેમાં ૫૦ ટકા રકમ ટિકિટની ડિપોઝિટ તરીકે ભર્યા પછી થોડા કલાકોમાં જ ટ્રેનના સમયની વધુ વિગતો આપવામાં આવશે. તે માહિતી મળતા જ પેસેન્જરે બાકીની ૫૦ ટકા રકમ ભરવાની રહેશે. અત્યાર સુધી પેસેન્જર્સેને રિઝર્વેશન સેન્ટર પરથી ટિકિટ લે તો જ ૧૦૦ ટકા રિફંડની સુવિધા મળતી હતી.

   ઈ-ટિકિટને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઈન ટિકિટ બુક કરાવનાર પેસેન્જર્સને આ સુવિધા આપવામાં આવશે. ૩ કલાક અથવા તેનાથી વધારે સમય સુધી ટ્રેન લેટ થશે તો પેસેન્જર્સને હવે રિઝર્વેશન સેન્ટર સિવાય ઓનલાઈન ટીડીઆર ભરવાથી પણ ટિકિટનું કુલ રિફંડ મળી જશે. તેમાં તેમને કોઈ પ્રકારની મુશ્કેલી થશે નહીં. સરકારે ૨૦૧૫માં આપેલા આ પ્રકારના આદેશમાં અપડેટ કર્યું છે. રેલવે વિભાગનો નવો આદેશ ૩ ઓકટોબરથી લાગુ થશે. આ સુવિધાથી યાત્રીઓને દ્યણી રહાત મળશે.

   ટ્રેનના ડિપાર્ચર થવાના ૪૮ કલાક પહેલા ટિકિટ કેન્સલેશન માટે એસી ફર્સ્ટ કલાસ, એકિઝકયુટિલ કલાસ માટે રૂ. ૨૪૦, એસી ટુ ટાયર/ફર્સ્ટ કલાસ માટે રૂ. ૨૦૦, એસી ૩ ટાયર/એસી ચેર કાર/ એસી ૩ ઈકોનોમી માટે રૂ. ૧૮૦, સ્લીપર કલાસ માટે રૂ. ૧૨૦ અને સેકન્ડ કલાસ માટે રૂ. ૬૦ દરેક પેસેન્જર્સને ચાર્જ કરવામાં આવશે. ટ્રેનની કન્ફર્મ ટિકિટને ૪૮ કલાકની અંદર અને ગાડીના ચોક્કસ સમયે રેલવે સ્ટેશન પર ડિપાર્ચર થાય તેના ૧૨ કલાક પહેલા ટિકિટ રદ કરાવનારને ટિકિટની કુલ કિંમતના ૨૫ ટકા ચાર્જ કરવામાં આવશે. ટ્રેનના નક્કી ડિપાર્ચરથી ૧૨ કલાક અને ચાર કલાક પહેલા સુધી ટિકિટ કેન્સલ કરવાનો ચાર્જ ૫૦ ટકા લેવામાં આવશે.

   આઈઆરસીટીસીની વેબસાઈટ પ્રમાણે ડિપાર્ચરના ૪ કલાક પહેલાં ઓનલાઈન ટિકિટ કેન્સલ અથવા ટીડિઆર ફોર્મ ભરવુ જરૂરી છે. ટ્રેન ચાલે તેની ૩૦ મીનિટ પહેલા મિનિમમ ચાર્જ કાપીને આરએસી અને વેટિંગ ટિકિટનું ભાડું રિફંડ કરવામાં આવશે. ટ્રેનના ચોક્કસ સમયથી ૩ કલાક લેટ હશે તો કન્ફર્મ, આરએસી વેટિંગ ટિકિટને કોઈ પણ ચાર્જ કાપ્યા વગર રિફંડ કરી આપવામાં આવશે. ટ્રેન કેન્સલ થઈ હશે ત્યારે આઈઆરસીટીસી દ્વારા બુક કરવામાં આવેલી ઈ-ટિકિટને રદ કરવાની જરૂર રહેશે નહીં અને ટીડિઆર ફોર્મ ભરવાની પણ જરૂર રહેશે નહીં. આ સંજોગોમાં પેસેન્જર્સના એકાઉન્ટમાં અમાઉન્ટ ટ્રાન્સફર થઈ જશે. હાલના નિયમો પ્રમાણે તત્કાલ ટિકિટ રદ કરવાથી રિફંડની કોઈ રકમ મળતી નથી. જો કોઈ ટ્રેન ૩ કલાક કરતા વધારે લેટ હોય અથવા રદ થાય તો આઈઆરસીટીસીના નિયમ પ્રમાણે રિફંડ મેળવવા માટે ઓનલાઈન ટીડિઆર ફોર્મ ભરી શકાય છે.