Page Views: 21435

હાઇકોર્ટે ગોધરા હત્યાકાંડમાં ફાંસીની સજા પામેલા ૧૧ આરોપીઓની સજા આજીવન કેદમાં ફેરવી

હાઇકોર્ટે અન્ય ૨૦ આરોપીઓને ફટકારેલ આજીવન કેદની સજા યથાવત રાખી

  અમદાવાદ-9-10-2017

વર્ષ 2002માં ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસમાં અમદાવાદ તરફ જઇ રહેલા કાર સેવકોને સળગાવીને મારી નાંખવામાં આવ્યા હતા. આ જઘન્ય હત્યાકાંડમાં સ્પેશ્યલ કોર્ટ દ્વારા 11 આરોપીઓને ફાંસીની સજા ફટકારી હતી. જ્યારે અન્ય 31 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. રાજ્ય સરકાર  દ્વારા અન્ય 31 આરોપીઓને પણ ફાંસીની સજા આપવામાં આવે એવી માંગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં રીટ કરવામાં આવી હતી. આ અંગે રાજ્યની વડી અદાલત દ્વારા ફાંસીની સજા પામેલા આરોપીઓની ફાંસીની સજા રદ કરતો હુકમ આપ્યો છે. જ્યારે અન્ય આરોપીઓની આજીવન કેદની સજા કાયમ રાખતો હુકમ કર્યો છે. 

      ગુજરાત હાઇકોર્ટે ગોધરા હત્યાકાંડના ભોગ બનેલા તમામ ૫૯ કારસેવકોના વારસદારોને ૧૦-૧૦ લાખ વળતર આપવાનો પણ આદેશ કર્યો છે આ પહેલા સીટે તમામ ૩૧ આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગણી કરી હતી. ગોધરા હત્યાકાંડમાં ૫૯ કારસેવકોને જીવતા સળગાવી મારી નાખવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ગોધરાકાંડમાં જે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા તે પૈકી 63 આરોપીઓને કોર્ટ દ્વારા અગાઉ શંકાનો લાભ આપીને મુક્ત કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા આ ઘટના બાદ નાણાવટી પંચની રચના કરવામાં આવી હતી અને નાણાવટી પંચ દ્વારા તેની તપાસનો અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર હત્યાકાંડ પૂર્વ યોજીત કાવત્રું હોવાનું સ્પેશ્યલ કોર્ટમાં પુરવાર થયા બાદ 11 આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. સીટના આ ચુકાદા બાદ રાજ્ય સરકારે બાકીના 31 આરોપીને પણ ફાંસીની સજાની માંગણી સાથે હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. કોર્ટે ફાંસીની સજા પામેલા 11 આરોપીઓની સજામાં ઘટાડો કરી અને તમામને આજીવન કેદની સજા આપતો હુકમ કર્યો છે. આ સિવાય હત્યાકાંડમાં મૃત્યુ પામેલા કારસેવકોના પ્રત્યેકના પરિવારને રૂ.10-10 લાખ વળતર ચુકવવા પણ હુકમ કર્યો છે સાથો સાથ રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ ગયાની ટકોર પણ કરી છે.