Page Views: 18818

GSTમાં પ્રજાના રોષ સામે સરકારની પીછેહટ: જીએસટીના દરમાં કરવામાં આવેલા ફેરફારો ઊડતીનજરે

નાના-મધ્યમ ઉદ્યોગોને રિટર્ન ફાઈલ કરવામાં રાહત આપી, 27 વસ્તુઓના દર ઘટાડયા

અમદાવાદ:-

            ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલીકરણ પછી વેપારીઆલમના સતત વધી રહેલા વિરોધ સામે ઝૂકીને કેન્દ્ર સરકારને વેપારીઓની માગણીઓને વશ થઈને જીએસટીમાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટેની ઘણી જોગવાઈઓ હળવી કરવાની ફરજ પડી છે. વાર્ષિક રૃા.૧.૫ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને ત્રિમાસિક રિટર્ન ભરવાની વ્યવસ્થા કરી આપી છે.

            પહેલી ઓક્ટોબર ૨૦૧૭ પછીના ગાળા માટે તેમણે ત્રિમાસિક રિટર્ન ફાઈલ કરવાનું રહેશે. સપ્ટેમ્બર ૨૦૧૭ સુધીના ગાળા માટે તો તેમણે પણ માસિક રિટર્ન જ ફાઈલ કરવું પડશે. આમ જીએસટીની કુલ આવકમાં માત્ર ૬ ટકાનો હિસ્સો ધરાવતા ૯૦ ટકા વેપારીઓને રિટર્ન ફાઈલ કરવામાં આને વેરો ભરવામાં રાહત આપવામાં આવી છે. અત્યારે તેમને માસિક રિટર્ન ફાઈલ કરવું પડતું હતું.ઉલ્લેખનીય છે કે, જીએસટી અમલમાં આવ્યા બાદ નાના મોટા વેપારીઓ અને સામાન્ય લોકોને રોજીદા વ્યવહારમાં ઘણી હાલાકીનો સામનો કરવો પડતો હતો. ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે ત્યારે આ મુદ્દે પ્રજાનો રોષ પરવડે તેમ ન હોવાથી કેન્દ્ર સરકારે જીએસટીના ના નિયમોમાં તાબડતોબ ફેરફારો કર્યા હોવાનું રાજકીય વર્તુળમાં ચર્ચાઇ રહ્યું છે. નિકાસકારોના રિફંડ માટે એપ્રિલ ૨૦૧૮થી ઈ-વૉલેટ તૈયાર કરાશે નિકાસકારો પર વર્કિંગ કેપિટલનો બોજ ન વધ્યા કરે તે માટે આગામી પહેલી એપ્રિલ ૨૦૧૮ સુધીમાં તેમને માટે ખાસ ઈ-વૉલેટ તૈયાર કરવામાં આવશે. આ ઈ-વૉલેટમાં એક ચોક્કસ રકમ જમા આપી દેવામાં આવશે. આ એક પ્રકારનું એડવાન્સ રિફંડ જ હશે. આ એડવાન્સ રિફંડનો ઉપયોગ નિકાસકાર તેની આઈજીએસટી અને જીએસટી ભરવાની જવાબદારી અદા કરી શકશે. તેમણે ૦.૧ ટકાના દરે જીએસટી ભરવો પડશે.

            આ ઈ-વૉલેટ આગામી પહેલી એપ્રિલથી ચાલુ થઈ જાય તે રીતે ડેવલપ કરવાની કામગીરી એક ખાનગી કંપનીને સોંપી દેવામાં આવશે, એવી જાહેરાત આજે જીએસટી કાઉન્સિલની બેઠક પછી પત્રકારો સાથેની વાતચીતમાં નાણાં મંત્રી અરુણ જેટલીએ કરી હતી.

જીએસટીના દરમાં કરવામાં આવેલા ફેરફારો ઊડતીનજરે:-

* વાર્ષિક રૃા. ૧.૫ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓએ ત્રણ મહિને રિટર્ન ફાઈલ કરવું પડશે.

* બે લાખ સુધીના દાગીનાની ખરીદી પરમેનન્ટ એકાઉન્ટ નંબર વિના કરી શકાશે. * બ્રાન્ડેડ નમકીન પર ૫ ટકાના દરે જીએસટી લેવાશે

* ઇન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ બાળકોને અપાતા ફૂડ પેકેટ પર ૧૨ને બદલ ૫ ટકા જીએસટી લેવાશે.

* સ્ટેશનરીની ઘણી વસ્તુઓ પરનો જીએસટી ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કર્યો

* ડીઝલ એન્જિનના પૂરજાઓ પરનો જીએસટી ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કર્યો * જરી કામ પરનો જીએસટી ૧૨ ટકાથી ઘટાડી ૫ ટકા કર્યો

* એપ્રિલ ૨૦૧૮થી નિકાસકારો માટે ઈ-વૉલેટની સિસ્ટમ શરૃ કરશે

* કોમ્પોઝિશન સ્કીમમાં જોડાવા માટેની મર્યાદા રૃા.૭૫ લાખથી વધારી રૃા. ૧ કરોડ કરાઈ * કોમ્પોઝિશન સ્કીમમાં જોડાયેલા વેપારીઓ ઇન્ટરસ્ટેટ વેપાર નહિ કરી શકે.

* વાર્ષિક રૃા. ૧ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા રેસ્ટોરાં પર ૫ ટકા જીએસટી

* જરી કામ, ઇમિટેશન આઈટેસ્મ, ફૂડ આઈટેમ્સ ને પ્રિન્ટિંગ આઈટેમ્સ પર ૧૨ ટકાને બદલે ૫ ટકા જીએસટી લેવાશે.

* શ્રમિકો માટેના ઊંચી રકમના સરકારી કોન્ટ્રાક્ટ પર ૧૨ ટકાને બદલે ૫ ટકા જીએસટી લેવાશે. -    અનબ્રાન્ડેડ આયુર્વેદિક મેડિસિન પર ૧૨ને બદલે ૫ ટકા જીએસટી લાગશે

* ખાખરા પરનો જીએસટી ૧૨ ટકાથી ઘટાડી ૫ ટકા કર્યો

* માનવ સર્જિત રેસાઓ પરનો જીએસટી ૧૮ ટકાથી ઘટાડી ૧૨ ટકા કર્યો

 * ફ્લોરિંગ માટેના માર્બલ ગ્રેનાઈટ પરનો જીએસટી ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કર્યો