Page Views: 17864

પોસ્ટ ઓફિસની તમામ ડીપોઝિટ, PPF, NSC, KVP માટે 'આધાર' ફરજિયાત

હવે પોસ્ટ ઓફિસમાં નાણાં રોકવા 'આધાર'ની જરૂર પડશે

નવી દિલ્હી:-

 

            સરકારે પોસ્ટ ઓફિસની તમામ ડીપોઝિટ, પીપીએફ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમ અને કિસાન વિકાસ પત્ર માટે બાયોમેટ્રિક આઇડેન્ટીફિકેશન 'આધાર'ને ફરજિયાત બનાવ્યું છે. વર્તમાન ડિપોઝીટરાને ૧૨ આંકડાનો યુનિક આઇડેન્ટિફિકેશન નંબર 'આધાર' જમા કરાવવા ૩૧ ડિસેમ્બર, ૨૦૧૭ સુધીનો સમય આપવામાં આવ્યો છે.

            નાણા મંત્રાલયે અલગ અલગ ચાર ગેઝેટ જારી કરી પોસ્ટ ઓફિસના તમામ ડીપોઝિટ એકાઉન્ટ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(પીપીએફ),નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમ અને કિસાન વિકાસ પત્ર માટે આધારને ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે. ૨૯ સપ્ટેમ્બરના નોટિફિકેશન મુજબ જે લોકો પાસે આધાર નથી તેમણે આધાર માટે અરજી કરી અરજીની પહોંચ રજૂ કરવાની રહેશે.  ઉલ્લેખનીય છે કે આ અગાઉ સરકાર બેંક ડિપોઝીટ, મોબાઇલના સિમ કાર્ડ, એલપીજી, સિમ કાર્ડ, પાન કાર્ડ માટે આધારને ફરજિયાત બનાવી ચૂકી છે.  સરકારી સબસિડીનો લાભ મેળવવા માટે આધાર જમા કરાવવાની અંતિમ તારીખ ૩૦ સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી. જેને વધારીને ૩૧ ડિસેમ્બર, ૨૦૧૭ કરવામાં આવી છે.

            જો કે મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે તારીખ લંબાવવાનો લાભ એવા જ લોકોને મળશે જેમની પાસે આધાર નથી. આવા લોકોને આધાર માટે અરજી કરી ૩૧ ડિસેમ્બર સુધી આધાર અથવા તો આધાર માટે કરેલી અરજીની પહોંચ જમા કરાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.