Page Views: 23378

ભાજપના દૂત મનસુખ માંડવિયા સાથે રવિવારે ભાવનગરના પાટીદાર અગ્રણીઓના ભોજન સમારોહનું આયોજન

ગોહિલવાડના 100થી વધારે ડાયમંડ અને ટેક્સટાઇલ અગ્રણીઓને ફાર્મ હાઉસમાં જમવા બોલાવી ભાજપ દ્વારા પાટીદારોનો રોષ ખાળવા પ્રયાસ કરાશે

સુરત-6-10-2017

શહેરમાં છેલ્લા ચાર દિવસથી ભાજપના સાંસદ ધામા નાંખીને બેઠા છે અને નારાજ થયેલા પાટીદારોને મનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. શહેરના સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓ સાથે બેઠકો વચ્ચે પાટીદાર મતદારોને મનાવી લેવાના પ્રયાસ વચ્ચે હવે રવિવારે એક ભોજન સમારોહનું આયોજન કરવામાં આવવાનું છે અને તેમાં માત્ર ભાવનગર જિલ્લાના પાટીદાર અગ્રણીઓને બોલાવી અને તેમની સાથે વિચાર વિમર્શ કરી ડેમેજ કંટ્રોલના પ્રયાસ કરવામાં આવશે.

સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, વરાછા કતારગામ સહિતના વિસ્તારોમાં ભાવનગર જિલ્લાના પાટીદાર ઉદ્યોગપતિઓનું વર્ચસ્વ મોટુ છે ત્યારે હાલમાં જ સુરત શહેરમાં પાટીદાર મતદારોને ફરી વખત ભાજપનો સાથ ન છોડે તે માટે ડેમેજ કંટ્રોલ કરવા મનસુખ માંડવિયાને દૂત તરીકે દોડાવાયા છે. બે દિવસ પહેલા ભાજપના પાટીદાર માજી ધારાસભ્યોથી માંડીને કોર્પોરેટરોની મીટીંગ ઉધના ખાતે બોલાવવામાં આવી હતી અને તેમને સોસાયટીઓમાં અને પરિવારોની વચ્ચે જઇ ભાજપની સિધ્ધીઓ વર્ણવી અને તેમને મનાવી લેવાનું હોમવર્ક આપવામાં આવ્યું હતું. આ મીટીંગમાં જ રવિવારના રોજ ભાવનગર જિલ્લાના હીરા ઉદ્યોગના અને ટેક્સટાઇલના 100 જેટલા અગ્રણીઓની યાદી તૈયાર કરી અને એક ફાર્મ હાઉસમાં ભોજન સમારોહ રાખવાની તૈયારી કરવામાં આવી હતી. ભોજન સમારોહનું આયોજન થાય તેના માટે એક ટીમને કામે લગાવવામાં આવી છે. ઉપરાંત ક્યાં કોના ફાર્મ હાઉસમાં આયોજન કરવું તે પણ હાલમાં વિચારણા કરવામાં આવી રહી છે.

મનસુખ માંડવિયાની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયા બાદ પાટીદાર આગેવાનોના અન્ય સમુહોનું મન જાણવા પણ મનસુખ માંડવિયા પ્રયાસ કરશે.