Page Views: 24860

રાધે માને દિલ્હીના એક પોલીસ સ્ટેશનમાં SHOએ પોતાની ખુરશી ખાલી કરીને બેસાડતાં વિવાદ

પોલીસ જવાનો સાથે રાધે માએ ઠુમકા લગાવ્યાં

નવી દિલ્હી:-

         દિલ્હીના વિવેક વિહાર પોલીસ સ્ટેશનના SHOએ રાધે માને પોતાની ખુરશી ઉપર બેસાડતા વિવાદ ખડો થયો છે. વાત આટલે જ અટકી ન હતી. રાધે માએ SHO અને એ સિવાયના પોલીસ કર્મચારીઓ સાથે ઠુમકા પણ લગાવ્યાં હતા. વિવેક વિહાર પોલીસ સ્ટેશનની કહેવાતી તસવીર અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવાદ ખડો થયો છે.

        દિલ્હીના વિવેક વિહાર પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર સંજય શર્માએ નવરાત્રી દરમિયાન વિવાદિત રાધે માને પોલીસ સ્ટેશને બોલાવ્યાં હતા. રાધે માને બેસવા માટે પોલીસ અધિકારીએ પોતાની ખુરશી આપી દીધી હતી અને પોતે રાધે માની ચૂંદડી ગળામાં પહેરીને રાધે માની બાજુમાં હાથ જોડીને ઉભા રહી ગયા હતા. પોલીસ અધિકારીની જેમ અન્ય પોલીસ જવાનો પણ ચાલુ ડયુટીએ રાધે માની સેવામાં ખડે પગે રહ્યા હતા અને હાથ જોડીને રાધે માને સન્માન આપતા હતા. પોલીસ સ્ટેશનના રામલીલાના કાર્યક્રમમાં પણ રાધે મા હાજર રહ્યા હતા અને અધિકારીઓ તેમ જ પોલીસ કર્મચારીઓએ રાધે માની ભક્તિમાં ગીતો ગાયા હતા. એ ગીતો ઉપર રાધે મા થિરકતા હતા. એ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. રાધે માના ફેસબુક ઉપર અપલોડ થયેલા આ વીડિયોમાં અધિકારી ઉપરાંત પાંચ પોલીસ જવાનો દેખાય છે. આ ઘટનાના કારણે વિવાદ થયો હતો. દિલ્હી પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી હતી. ઓન ડયૂટી પોલીસ જો આવી હરકત અને ખાનગી કાર્યક્રમો કરતી હોય તો દેશના પાટનગરમાં સુરક્ષાનું શું થાય? આવા અણિયાળા સવાલો લોકોએ સોશિયલ મીડિયાના માધ્મયથી પૂછ્યા હતા. આખરે નામોશી ટાળવા માટે દિલ્હી પોલીસે છ પોલીસ કર્મચારીઓ સામે તપાસ કરવાની જાહેરાત કરી હતી.

        રાધે મા તેની વિવાદાસ્પદ તસવીરો અને ડાન્સના વીડિયોના કારણે વિવાદમાં ઘેરાયા હતા. તેમની વિરૃદ્ધ પોલીસ ફરિયાદ પણ થઈ હતી.