Page Views: 2713

રાજ્યમાં GSTને કારણે રેસ્ટોરન્ટ બિઝનેસમાં ૩૫ ટકાનો ઘટાડો નોંધાયો

ગ્રાહકો ઉપર ટેક્ષનો મોટો બોજોઃ કાયમી ગ્રાહકો પણ જવાનું ટાળવા લાગ્યા

અમદાવાદ:-

         GST લાગુ થયા બાદ જાણે રેસ્ટોરન્ટમાં જમવા જવું એ ભોગવિલાસની વસ્તુ બન્યુ હોય તેવું લાગી રહ્યું છે. નોંધનીય છે કે ગુજરાતમાં GST લાગુ થયા બાદથી જ રેસ્ટોરન્ટ બિઝનેસમાં ૩૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સર્વિસ સેકટરમાં ૧૮ ટકા GSTના માર લોકોના ખિસ્સા પર વધુ પડી રહી હોય તેવું લાગી રહ્યું છે.

   હોટલ્સ એન્ટ રેસ્ટોરન્ટ્સ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ આ અંગે જણાવ્યું હતું કે, 'રેસ્ટોરન્ટ બિઝનેસમાં ચોક્કસપણ ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો વિકેન્ડ્સમાં પણ અસર કરી રહ્યો છે. આ કારણે રેસ્ટોરન્ટમાં કેટલાંક કાયમી ગ્રાહકો પણ જવાનું ટાળી રહ્યા છે. ઘણાં રેસ્ટોરન્ટના ધંધામાં તો ૫૦ ટકાનો ઘટાડો થયો છે. ઘણીવાર બિલ રાઉન્ડ અપ કરતા ટેકસનો દર ૧૮ થી વધીને ૨૦ ટકા થઈ જાય છે.'

 

          સુરતના રેસ્ટોરન્ટના પણ કંઈક આવા જ હાલ છે. સાઉથ ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશનના વાઈસ પ્રેસિડન્ટ સનત રેલિયાએ જણાવ્યું હતું કે, 'હોમ ડિલિવરી અને ટેકઅવે બિઝનેસમાં પણ ૫૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. ફેસ્ટિવલ સિઝનમાં GSTનુકસાનકારક સાબિત થશે. દિવાળી સિઝનમાં પણ ધંધો ૫૦ ટકા સુધી ઘટે તેવા અણસાર છે.'  ઘણા લોકોને GSTના સાયકોલોજિકલ ઈમ્પેકટ પડી હોય તેવું પણ લાગી રહ્યું છે.  વડોદરાના એક રેસ્ટોરન્ટ ઓનર નિતીન નાણાવટીએ જણાવ્યું હતું કે, 'જોકે ૧૮ ટકા ટેકસ રેટ ઘણું વધારે કહેવાય પરંતુ મોટાભાગના લોકોએ તેને સ્વીકારી લીધું છે. પહેલાં સર્વિસ ટેકસ અને વેટ મળીને બિલ તો લગભગ બરોબર જ થતું હતું. કેટલાંક રો મટિરિયલ પર ટેકસ લાગવાને કારણે પણ ભાવો વધ્યા છે.'