Page Views: 25405

એલ પી સવાણી સ્કૂલ સંચાલકોની ગુંડાગીરી- બાળકને ગોંધી રાખી બાઉન્સરો મુક્યા

ફી ન ભરી શકનારા બાળકને ગોંધી રાખવામાં આવ્યાની પોલીસ કમિશનરને ફરિયાદ

સુરત-5-10-17

શહેરના અડાજણ પાલ વિસ્તારમાં એજ્યુકેશન મોલ જેવી પ્રવૃત્તિ કરનારા એલ પી સવાણી સ્કૂલના સંચાલકો વાલીઓ પાસેથી ફી પડાવવા માટે હવે બાઉન્સરો ઉતારીને વાલીઓને ધમકાવી રહ્યા છે. એક બાળકને ગોંધી રાખી અને શાળાના કેમ્પસમાં વાલીઓને આવતા અટકાવવા માટે બાઉન્સરો ફરતા કરી દેવામાં આવ્યા હોવાની ફરિયાદ પોલીસ કમિશનરને કરવામાં આવી છે.

વિગતો અનુસાર, પાલ ટી પી 10 ખાતે આવેલી એલ પી સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા એક બાળકના વાલી દ્વારા સમયસર ફી જમા કરાવવામાં આવી ન હતી. જેથી શાળા સંચાલકો દ્વારા આ બાળકને સાળામાંથી ઘરે જવા દેવાયો ન હતો અને તેને ક્લાસરૂમમાં જ ગોંધી રાખવામાં આવ્યો હતો. ઉપરાંત જ્યારે વાલીએ આ અંગે શાળામાં તપાસ કરી ત્યારે તેમણે ફી ન ભરી હોવાથી બાળકને બેસારી રખાયો હોવાનું જણાવ્યું હતું. આ બાળકના વાલીઓ દ્વારા અન્ય વાલીઓનો સંપર્ક કરીને બોલાવવામાં આવ્યા ત્યારે શાળાના સંચાલકો દ્વારા એક ખાનગી સિક્યુરિટી કંપનીના બાઉન્સરોને બોલાવી અને સમગ્ર કેમ્પસમાં બાઉન્સરો ફરતા કરી દેવાયા હતા. જેના કારણે વાલીઓમાં ગભરાટ ફેલાયો હતો. કેટલાક જાગૃત વાલીઓ દ્વારા આ અંગે ડીઇઓને જાણ કરવામાં આવી હતી ઉપરાંત જ્યારે મામલો પોલીસ સ્ટેશન સુધી લઇ જવાની વાત કરવામાં આવી ત્યારે શાળા સંચાલકો ઢીલા પડ્યા હતા.

બાળકની ફી વાલી દ્વારા ક્યા સંજોગોમાં નથી ભરવામાં આવી એ અંગે પુરતી તપાસ કર્યા વગર આ પ્રકારે બાળકને ગોંધી રાખવાની ગંભીર ઘટના અંગે વાલીઓ દ્વારા પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે અને બાઉન્સરોને શાળાના કેમ્પસમાં રાખવા સામે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.