Page Views: 2523

મોદી આપશે સામાન્ય ચૂંટણી પહેલા ફ્રી ઇન્ટરનેટ ડેટાની ભેટ

મોદી સરકાર ૨૦૧૯માં યુવા મતદારોને આકર્ષવા લાવી રહી છે યોજના

નવી દિલ્હી:

        મોદી સરકાર ડિજિટલ ઇન્ડિયાને પ્રમોટ કરવા અને લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે મોટો નિર્ણય લઈ શકે છે. સૂત્રોનું માનીએ તો મોદી સરકાર દેશભરમાં લોકોને ફ્રી ઇન્ટરનેટ ડેટા આપવાની શકયતાઓનો અભ્યાસ કરી રહી છે.

   ટેલિકોમ મંત્રાલય આ યોજના પર કામ કરી રહ્યું છે. પાછલા એક વર્ષથી આ યોજાના અંગે દરેક તબક્કે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. હવે આ યોજના તેના નિર્ણાયક તબક્કામાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સરકાર આ યોજનાને ૨૦૧૮ના બજેટમાં જાહેર કરી શકે છે. ૨૦૧૯ની ચૂંટણી પહેલા મોદી સરકારનું આ છેલ્લુ પૂર્ણકાલિક બજેટ હશે. સરકાર ફ્રી ડેટા યોજનાને ડિજિટલ ઇન્ડિયાને પ્રમોટ કરવાના નામે જાહેર કરી શકે છે. આ માટે યૂનિવર્સલ ઓબ્લિગેશન ફંડ(USO)નો ઉપયોગ કરવામાં આવી શકે છે. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નેટ કેનેકિટવિટી વધારવાની દિશામાં આ યોજાના આગળ વધી શકે છે. અધિકારીઓનું માનીએ તો હજુ આ યોજનાને પૂર્ણરૂપે સાકાર કરવા માટે કેટલાય મુદ્દાઓની ચર્ચા બાકી છે પરંતુ બજેટ પહેલા તે કરી લેવામાં આવશે તેવી શકયતાઓ જણાઈ રહી છે. આ એક એવુ ફંડ છે જેમાં દેશની તમામ ટેલિકોમ કંપનીઓ પોતાના નફામાંથી કેટલોક ભાગ સરકારમાં જમા કરાવે છે. આ ફરજીયાત ફંડમાં ૨૦૦૨થી લઈને ૨૦૧૬ સુધીમાં ૬૮ હજાર કરોડ જેટલા રુપિયા જમા થયા છે. જયારે ખર્ચ માત્ર રૂ. ૨૫ હજાર કરોડ જેટલો જ થયો છે. ગત વર્ષે જ આ ફંડના ઉપયોગ અંગે CAGએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે દેશના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મોબઈલ-ઇંટરનેટ સુવિધા નથી અને સરકાર આ ફંડનો યોગ્ય ઉપયોગ નથી કરી રહી.