Page Views: 9256

ચોકબજાર વિસ્તારમાં મોડીરાત્રે પોલીસ જવાને ગાડી રોકાવતાં લોકોએ જાહેરમાં કર્યો પોલીસ પર હુમલો

સુરતમાં પોલીસ જવાનો પર વધતાં હુમલાની સાથે વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો

સુરતઃ-

         શહેરમાં પોલીસ પર હુમલાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યાં છે. તેમાં વધુ એક બનાવ ચોકબજાર વિસ્તારમાં બનવા પામ્યો છે. રાત્રિના બાર વાગ્યાની આસપાસ એક કારને પોલીસે ઉભી રખાવી હતી. કાયદાનું ઉલ્લંઘન કરનાર કાર ચાલક અને ટ્રાફિકના એએસઆઈ વચ્ચે બોલાચાલી બાદ મામલો શાંત થઈ ગયો હતો. જો કે, ત્યારબાદ ટ્રાફિકના એએસઆઈ જવાન સાથે ટોળામાં એકઠા થયેલા યુવાનોએ ટપલીદાવ કર્યો હતો. જેથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

        પ્રાપ્ત વિગતો અનુસાર, ચોકબજાર વિસ્તારમાં મોડીરાત્રે ફરજ બજાવતાં એએસઆઈ ઈશ્વર વસંતભાઈ ચૌધરીએ સવા બાર વાગ્યાની આસપાસ રોડ પર રેક ક્રોસ કરીને આવતાં કાર(જીજે12 ડીએ 4841) ચાલકને અટકાવ્યો હતો. જેથી બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. જો કે, ત્યારબાદ રોડ પર બેસી રહેલા યુવકો દોડી આવ્યાં હતાં. અને એએસઆઈ પર આક્ષેપો કરવાની સાથે ટપલી દાવ કરી ધક્કે ચડાવ્યાં હતાં. સાથે યુવકોએ માફી માંગવાનું કહ્યું હતું. સમગ્ર મામલે એએસએઆઈ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પીઆઈ એમ.બી. મછારએ વધુ તપાસ શરૂ કરી છે. ચોકબજાર વિસ્તારમાં ટ્રાફિક પોલીસના એએસઆઈ સાથે થયેલી ટપલી દાવથી ફરી પોલીસની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે.