Page Views: 3855

ચાંદખેડામાં પોલીસ ઈન્સ્પેક્ટરનો લમણામાં ગોળી મારીને આપઘાત

નડિયાદ રૂરલમાં ફરજ બજાવતા હતા - લિવરની બિમારીથી કંટાળીને પગલું ભર્યું હોવાની શંકા

અમદાવાદ:-

             ચાંદખેડામાં રહેતા અને નડિયાદ રૂરલ પોલીસમાં પી.આઈ.તરીકે ફરજ બજાવતા સુનિલ મલ્હી (39) એ આજે બપોરે પોતાના ઘરમાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.પ્રાથમિક તપાસમાં તે લિવરની બિમારીથી પિડાતા હોવાથી આ અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવને પગલે તેમના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.  

ચાંદખેડા પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. આ બનાવની વિગત મુજબ  ચાંદખેડાના જનતાનગર સ્થિત પદ્મપ્રભુનગર કો.ઓ.હા.સોસાયટીમાં રહેતા સુનિલ સુદેશકુમાર મલ્હીએ તા. ૪.૧૦.૨૦૧૭ નાં રોજ બપોરે ૧.૩૦થી ૧.૪૦ વાગ્યા દરમિયાન પોતાના લમણામાં પિસ્ટલ વડે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ ગોળીબારનો અવાજ સાંભળીને તેમના પત્ની બેડરૃમમાં ગયા હતા. ત્યાં જઈને તેમણે જોયું તેમના પગ તળેથી ધરતી સરકી ગઈ હતી. પતિ સુનિલ મલ્હી પલંગમાં લોહીલુહાણ હાલતમાં પડેલા હતા અને બાજુમાં પિસ્ટલ પડી હતી. આથી તેમણે તાત્કાલિક પતિના પડોશમાં જ રહેતા મિત્ર ભરતસિંહને ફોન કરીને બનાવથી વાકેફ કર્યા હતા. તાત્કાલિક ભરતસિંહ તેમના ઘરે દોડી આવ્યા હતા. બાદમાં સુનિલ મલ્હીને  તેમની કારમાં સાબરમતીની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે ડોક્ટરે તેમને તપાસીને મૃત ઘોષિત કર્યા હતા. ચાંદખેડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.એચ.બી.ચાવડાના જણાવ્યા મુજબ આ અંગે અમને જાણ કરવામાં આવતા અમે હોસ્પિટલ દોડી ગયા હતા. બાદમાં તેમના ઘરે પહોંચ્યા હતા. આ સોસયટીમાં તેમના આજુબાજુમાં જ બે ફ્લેટ છે. જેમાં સુનિલ મલ્હી તેમના પત્ની, બે પુત્ર અને એક પુત્રી તથા માતાપિતા રહેતા હતા. તેમની માતા પણ એમડી ડોક્ટર છે.તેમના પિતાને ઘણા સમયથી પેરાલિસીસની બિમારી છે. અઠવાડિયા પહેલા જ તે રજા લઈને તેમના ચાંદખેડાના ઘરે આવ્યા હતા. જોકે ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી ઊપરાંત તેમણે આત્મહત્યામાં પોઈન્ટ ૩૨ બોરની લાયસન્સવાળી પ્રાઈવેટ પિસ્ટલનો ઊપયોગ કર્યો હતો. સુનિલભાઈના એક ભાઈ અમેરિકામાં છે તેમને જાણ કરવામાં આવતા તે અમદાવાદ આવવા નીકળી ગયા છે. જ્યારે અગાઊ ૨૦૦૯ માં તેમના એક ડોક્ટર ભાઈએ ગાંધીનગરમાં કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. નડીયાદમાં ફિઝીયોથેરાપિસ્ટ યુવતીને બુટલેગરના ચુંગાલમાંથી છોડાવી હતી સુનિલ મલ્હી નડિયાદ રૃરલ પહેલા નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પી,આઈ તરીકે ફરજ બજાવતા હતા. તે સમયે માસુમ મહિડા નામના ૪૧ વર્ષના પરણિત બુટલેગરે નડિયાદની એક એક ૨૨ વર્ષની ફિઝીયોથેરાપિસ્ટ સુષ્મા (નામ બદલ્યું છે) નામની યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેની સાથે ભાગીને ઊદયપુરમાં શરિયત મુજબ લગ્ન કરી લીધા હતા. જોકે બાદમાં આ લગ્ન ખોટા હોવાનું તથા માસુમ પરણિત હોવાનું બહાર આવતા યુવતીના પિતાએ તા. ૧૧.૬.૨૦૧૫ નાં રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં મલ્હીએ માસુમની ધરપકડ કરી હતી. જોકે તેનો હાઈકોર્ટમાંથી તેને જામીન મળી ગયા હતા. બીજીતરફ યુવતી માસુમના ઘરેથી ગમેતેમ કરીને ભાગીને તેના પિતાને ઘરે આવી ગઈ હતી. આથી ઊશ્કેરાયેલા માસુમે તેની પર એસિડ નાંખવાની ધમકી આપી હતી.

            આ અંગે સુષ્માએ પોલીસ ફરિયાદ નોંધાવતા માસુમની ફરીથી દરપકડ કરવામાં આવી હતી. જેમાં નીચલી તમામ કોર્ટોએ તેને જામીન આપ્યા ન હતા. અંતે તેને સુપ્રિમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. આ કેસમાં સુનિલ મલ્હીએ મહત્વની ભુમિકા ભજવી યુવતીને બુટલેગરના સકંજામાંથી છોડાવી હતી.