Page Views: 1613

ગુજરાત ગેસે પણ કર્યો CNG અને PNGના ભાવમાં વધારો

CNGથી વાહન ચલાવતા 3 લાખ લોકોને પણ અસર

અમદાવાદ:-

            અદાણી ગેસ પછી આજે ગુજરાત ગેસ અને જીએસપીસીએ પણ તેના રસોડામાં વપરાતા પાઈપ્ડ નેચરલ ગેસ - પીએનજી અને વાહનોમાં વપરાતા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ - સીએનજીના ભાવમાં અનુક્રમે ૯૫ પૈસા અને રૃા. ૩.૨૫નો વધારો કર્યો છે.

            ગુજરાત ગેસ અને જીએસપીસીના રાજકોટ-સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મળીને કુલ ૧૧.૫ લાખ પીએનજી જોડાણધારકો અને ૩ લાખ સીએનજી વપરાશકારો છે. ઘરે ઘરે રસોડામાં વપરાતા પાઈપ્ડ નેચરલ ગેસના એસસીએમ દીઠ ભાવ રૃા. ૧૯.૯૦થી વધારીને રૃા.૨૦.૮૫ કરવામાં આવ્યા છે.  જોકે આ વધારા પછીય તેના ભાવ સબસિીડવાળા રાંધણગેસના સિલિન્ડરના ભાવ કરતાં ઓછા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ જ રીતે વાહનોમાં વપરાતા સીએનજીના કિલોદીઠ ભાવ રૃા. ૪૪.૨૫થી વધારીને રૃા. ૪૭.૨૫ કરવામાં આવ્યા છે. આમ તેમાં કિલોએ રૃા. ૩.૨૫નો વધારો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કુદરતી ગેસના ભાવમાં થયેલા વધારાને પરિણામ પેટ્રોલિયમ મિનિસ્ટ્રીની અનુમતીને આધીન રહીને ગુજરાત ગેસે પીએનજી અને સીએનજીના ભાવમાં વધારો કર્યો છે. અત્યાર સુધી જોવામાં આવ્યું છે કે સીએનજીના ભાવમાં વધારો થાય એટલે ઓટો રિક્ષાચાલકો તેમના ભાડાંના વધારાની માગણી કરીને હડતાલ પર ઉતરવાની ચીમકી આપીને ભાડાં વધારાવડાવી લે છે. સરકાર તેમની આ માગણી સ્વીકારી પણ લેતી હોવાનું જોવા મળે છે. જોકે જાણકારોનું કહેવું છે કે સીએનજીના કિલોદીઠ ભાવમાં રૃા. ૩.૨૫ના વધારાને કારણએ તેમના પર કિલો મીટરે ૧૫ પૈસાનો પણ વધારો આવતો નથી. આ સંજોગોમાં તેઓ ઓટોરિક્ષાના ભાડામાં જંગી વધારો કરવાની જે માગણી કરે છે તે ઉચિત નથી.

            બીજું, સરકાર તેમને મીટરના જે ભાડાં નક્કી કરી આપે છે તે મીટર પ્રમાણે તેઓ રિક્ષા ન ચલાવીને ગ્રાહકની ગરજ જોઈને મન ફાવે તે ભાવ બોલીને પેસેન્જરને લઈ જવાનું વલણ અપનાવી રહ્યા છે. આ સંજોગોમાં તેમની ભાડાં વધારવાની માગણી ઉચિત પણ ન હોવાનું કહી શકાય તેમ છે.