Page Views: 8992

એસ ડી જૈન વિદ્યાલયની આયુષી ગૌદાનીએ કેનેડાની સ્પર્ધકને હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો

જુનિયર 46 કે જી લેવલ ટાયકોન્ડોમાં આયુષીએ દેશને ગૌરવ અપાવ્યુ-

સુરત-4-10-2017

સુરત શહેરની દીકરીએ વધુ એક વખત સમગ્ર દેશને ગૌરવ અપાવ્યુ છે. સુરતની એસ ડી જૈન વિદ્યાલયમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી આયુષી જયંતિભાઇ ગૌદાનીએ તાજેતરમાં જ કેનેડા ખાતે આયોજીત કોમનવેલ્થ ચેમ્પિયનશીપમાં ટાયકોન્ડોમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.  આ અગાઉ આયુષીએ કરાટેમાં અનેક સિધ્ધીઓ મેળવી છે અને શક્તિ દૂધ એવોર્ડ, સરદાર એવોર્ડ વિગેરે એવોર્ડ પણ પોતાને નામ કર્યા છે.

વિગતો અનુસાર, શહેરની એસ ડી જૈન વિદ્યાલયમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી આયુષી જયંતિભાઇ ગૌદાની છેલ્લા સાત વર્ષથી કરાટેમાં ચેમ્પિયન છે. તાજેતરમાં જ તેણે કેનેડા ખાતે આયોજીત કોમનવેલ્થ ચેમ્પિયનશીપ ટાયકોન્ડો અન્ડર 46 કે.જી. સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં આયુષીએ કેનેડાની જ સ્પર્ધકને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. હાલમાં આયુષી કેનેડાથી સુરત આવવા રવાના થઇ છે અને ગુરૂવારે મુંબઇ એરપોર્ટ પર પહોંચશે.

ઉલ્લેખનિય છે કે, થોડા સમય અગાઉ કઝાકિસ્તાન ખાતે ટાયકોન્ડો એશિયન ચેમ્પિયનશીપ યોજાઇ હતી જેમાં આયુષીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.