Page Views: 2006

મોરારી બાપુની રામકથાના આયોજનના ભાગરૂપે આજે જય વસાવડાનું વક્તવ્ય રાષ્ટ્ર સેવાનો ધબકાર

મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા દેશના વીર જવાનો માટે આયોજીત રામકથામાં સેવા આપનારા પાંચ હજારથી વધુ સ્વયં સેવકો સહિત શુભેચ્છકો ઉપસ્થિત રહેશે

સુરત-4-10-2017

સુરત શહેરના આંગણે આગામી તા.2જી ડિસેમ્બરથી 10મી ડિસેમ્બર સુધી પૂજ્ય મોરારીબાપુની રામકથાનું આયોજન નનુભાઇ સાવલિયા દ્વારા સ્થાપિત મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યુ છે. આ રામકથાના માધ્યમથી જે કંઇ આર્થિક ભંડોળ ઉભું થશે તેનો ઉપયોગ રાષ્ટ્રની સેવામાં પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા વીર શહીદોના પરિવારોને મદદ રૂપ થવામાં કરવામાં આવવાનો છે. આઝાદ ભારતના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત આટલા વિશાળ ફલક પર રાષ્ટ્રભક્તિ માટે એક મહાન કાર્ય સુરતમાં થવા જઇ રહ્યુ છે ત્યારે સુરત શહેરની વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને સમાજો તેમજ તેના સ્વયં સેવકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સ્વયં સેવકોના રાષ્ટ્ર સેવાના ધબકારને ધબકતો કરવા માટે જાણીતા યુવા કટાર લેખક જય વસાવડાના વક્તવ્યનું આયોજન આજરોજ તા.4.10.2017ને બુધવારે સાંજે 8-30 કલાકે રિધ્ધી સિધ્ધી ફાર્મ સીમાડા બીઆરટીએસ રોડ ખાતે કરવામાં આવ્યુ છે. આજના આ કાર્યક્રમમાં સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓ સહિત શુભેચ્છકો અને સ્વયં સેવકો મળીને અંદાજે પાંચ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે એવી ધારણા છે.