Page Views: 8974

સત્તા 100 ગાઉ છેટી છે ત્યાં કોંગ્રેસના બે સિંહના નંબર વન બનવા હવાતિયા

શંકરસિંહને કટ ટુ સાઇઝ કર્યા બાદ હવે ભરતસિંહ અને શક્તિસિંહ વચ્ચે ટકરાવ- અહેમદ પટેલ ખેલ જુવે છે અને અર્જુન મોઢવાડિયા-સિધ્ધાર્થ પટેલને મોં મા પાણી આવે છે...

સુરત-4-10- :

ગુજરાત રાજ્ય વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ વધી છે. સત્તા આવ્યા પહેલા જ સત્તાની ભાગ બટાઇમાં લાગી ગયેલા કોંગ્રેસ પ્રદેશના નેતાઓની નાદાનિયત ભરેલી હરકતોને કારણે તેઓ હાંસ્યાસ્પદ બની રહ્યા છે. અલબત  આ બધી જ માથાકુટ વચ્ચે જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં સારો દેખાવ અને રાજયસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે કોંગ્રેસના પ્રદેશ નેતાઓમાં નંબર વન થવાની હરિફાઈ જામી છે. કોંગ્રેસને ગુજરાતમાં જીવંત રાખનાર દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની માગણીઓ કોંગ્રેસે સ્વીકારી નહોતી, જેમાં પડદા પાછળ સાંસદ એહમદ પટેલની ભૂમિકા છે, જે ગુજરાત કોંગ્રેસના નંબર-૧ ચહેરા તરીકે છે. હજુ કોંગ્રેસ વિધાનસભાથી 100 ગાઉ દૂર છે ત્યાં જ તેના પ્રદેશના દિગ્ગજ નેતાઓ વચ્ચે ખેંચતાણ વધી ગઇ છે અને ગમે તે ભોગે હાઇ કમાન્ડની ગુડબુકમાં પોતાનું નામ નોંધાવીને તેનો ફાયદો મેળવી લેવા માટે પ્રદેશના નેતાઓ હવાતિયા મારતા થઇ ગયા છે.

   શંકરસિંહને હાઈકમાન્ડના નામે સતત અવગણવામાં તેમની ભૂમિકા રહી છે. ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરનાર શંકરસિંહ સહિત ૧૩ જેટલા ધારાસભ્યોને કોંગ્રેસ છોડવા માટે મજબૂર કરનારા એહમદ પટેલ, શકિતસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીની ત્રિપુટી છે, શંકરસિંહને કટ ટુ સાઈઝ કરવામાં આ ત્રિપુટી કારગત સાબિત થઈ છે, જેની ચર્ચા કોંગ્રેસ સહિત રાજકીય ગલિયારામાં છે.

   રાજયસભાની ચૂંટણીમાં શકિતસિંહ ગોહિલે બે મતનો મુદ્દો ઊભો કરી કોંગ્રેસ પક્ષની અને એહમદ પટેલની આબરૂ બચાવી હતી, આ ઘટનાક્રમ પછી શકિતસિંહ હાઈકમાન્ડની ગુડબુકમાં આવી ગયા છે, હવે શકિતસિંહ પોતે જ નંબર-૧ના સ્થાને છે તેવું માની રહ્યા છે. તો બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના પુત્ર સિદ્ઘાર્થ પટેલ પણ પાટીદાર આંદોલનને લીધે ઊભા થયેલા વાતાવરણમાં નંબર વન થવા મથી રહ્યા છે. જયારે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર અને કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ નંબર વન બનવા મથામણ કરી રહ્યા છે. કોંગ્રેસમાં અત્યારે શાંતિનો સાગર વહી રહ્યો છે પરંતુ ચરૂ ઉકળતો છે. ભરતસિંહ સોલંકી પ્રદેશ પ્રમુખ પદ રહી અને કોંગ્રેસને તેમણે જ બચાવી હોવાનું ચિત્ર ઉપસાવી રહ્યા છે પરંતુ વાસ્તવિક સ્થિતિ શું છે તેનો અંદાજ કોંગ્રેસી નેતાઓને પણ છે. આ બધી લડાઇમાં સિધ્ધાર્થ પટેલ પાટીદાર નેતાના નામે તરી જવા માંગે છે તો બીજી તરફ બહુ બોલકા હોવા છતા જેમને શાંત કરી દેવામાં આવ્યા છે એવા અર્જુન મોઢવાડિયા એવુ માનતા થઇ ગયા છે કે પાટીદારો, બાપુ નેતાઓની લડાઇમાં તેમને લાભ મળશે અને મોટું પદ તેમના હાથમાં આવી પડશે. જો કે, સૌથી મહત્વની વાત એ છે કે, કોંગ્રેસના મોટા ભાગના પ્રદેશ નેતાઓને ચૂંટણી સમયે આવતા સત્તાના સ્વપ્નમાં સત્તા સુંદરી જ આવે છે પરંતુ જ્યારે પ્રજાનો ચુકાદો આવે છે ત્યારે જ તેમની ઉંઘ ઉડે છે અને આંખ ખુલે ત્યારે હતા ત્યાં ને ત્યાં જેવી સ્થિતિ તેમની હોય છે.

તેમની હો ટુંકમાં સત્તા આવ્યા પહેલા જ સત્તાની ભાગ બટાઇમાં કોંગી નેતાઓ    લાગી ગયા છે અને પોતાને ક્યુ પદ જોઇએ છે તેની વહેંચણી પણ કરવા લાગ્યા છે. હાલમાં તો ભેંસ ભાગોળેને છાશ છાગોળે જેવો ઘાટ હોવા છતા પણ કોંગ્રેસની આંતરિક ખેંચતાણ જગ જાહેર થવા લાગી છે.