Page Views: 671

ભાગેડુ હનીપ્રીત અંતે પંજાબમાંથી પકડાઈ

38 દિવસ સુધી પોલીસે નેપાળ અને દિલ્હી વચ્ચે ફીફા ખાંડયા!

ચંડીગઢ:-

       બળાત્કારી ગુરમિત રામ રહીમની દત્તક લીધેલ પુત્રી હનીપ્રીતની ધરપકડ કરવામાં આવી છે. હરીયાણામાં ૨૫મી ઓગસ્ટે થયેલી હિંસામાં હનીપ્રીતનો હાથ હતો, અને તે દિવસથી જ તે નાસતી ફરતી હતી.

       મંગળવારે એક ટીવી ચેનલને હનીપ્રીતે ઇન્ટરવ્યૂ આપ્યું હતું જેના થોડા સમય બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. પ્રીયંકા તનેજા ઉર્ફે હનીપ્રીત પંજાબમાં ઝિર્કપુર-પટીયાલા રોડ પરથી મળી આવી હતી. હરીયાણા પોલીસે કુલ ૪૩ લોકોને હિંસાના ગુનામાં સામેલ હોવાથી તેમજ નાસતા ફરતા હોવાથી ભાગેડુ જાહેર કર્યા હતા. જેમા હનીપ્રીતનો પણ સમાવેશ થાય છે. હરીયાણા પોલીસે જણાવ્યું હતું કે હનીપ્રીતને કોણે શરણ આપી હતી અને તે ક્યાં ક્યાં છુપાઇ હતી તેની પણ તપાસ થશે. હાલ તેને એસઆઇટીની કસ્ટડીમાં મોકલી દેવામાં આવી હતી. હનીપ્રીતની સાથે એક અન્ય મહિલા પણ હતી જેને કસ્ટડીમાં લઇ લેવામાં આવી છે. છેલ્લા એક મહિનાથી હરિયાણા પોલીસ અન્ય રાજ્યોની પોલીસની મદદથી હનીપ્રીતને શોધી રહી હતી, તેમ છતા તેને પકડી ન શકી. જોકે મંગળવારે એક ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યૂ આપતી હનીપ્રીત નજરે પડી હતી. જે બાદ પોલીસે પોતાને મળેલી બાતમીના આધારે તેની ૩૮ દિવસ બાદ પંજાબમાંથી ધરપકડ કરી લીધી હતી. હનીપ્રીત ગુરમીત રામ રહીમની સાથે જ જોવા મળી હતી. જાહેરમાં બન્ને એકબીજાને પિતા પુત્રી ગણાવે છે પણ હનીપ્રીતના પતિએ આરોપ લગાવ્યો હતો કે બન્ને પ્રેમી પંખીડા છે. પિતા પુત્રી હોવાનું માત્ર નાટક કરી રહ્યા છે.

        બીજી તરફ હનીપ્રીતે દિલ્હી હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી જેને ફગાવી દેવાઇ હતી, તેથી હવે તે હરિયાણા હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરશે.  હિંસા ભડકાવવા, હિંસામાં મદદ કરવાથી લઇને અનેક પ્રકારના આરોપો હનીપ્રીત પર છે.