Page Views: 1213

લંડનમાં માલ્યાની ધરપકડ બાદ ૬.૫૦ લાખ પાઉન્ડના બોન્ડ પર મિનિટોમાં જામીન

આ અગાઉ પણ 18 એપ્રિલે કરાયેલી ધરપકડના ત્રણ કલાકમાં જ જામીન મળી ગયા હતાં

લંડન:-

        દારૃના વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાની બીજી વખત લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી) દ્વારા દાખલ કરાયેલા  મની લોન્ડરિંગના બીજા કેસમાં માલ્યાની ધરપકડ કરવામાં આવી હતી તેમ ક્રાઉન પ્રોસેક્યુશન સર્વિસ(સીપીએસ)એ આજે જણાવ્યું હતું.

       જો કે સૂત્રોના જણાવ્યા મુજબ વેસ્ટમિન્સ્ટર  મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા પછી માલ્યાને ફરીથી જામીન મળી ગયા છે. જો કે તેને ૬.૫૦ લાખ પાઉન્ડના બોન્ડ ભરવા પડયા હતા. ઉલ્લેખનીય છે કે આ અગાઉ એપ્રિલમાં પણ ભારત સરકારની અપીલને પગલે સ્કોટલેન્ડ યાર્ડે માલ્યાની ધરપકડ કરી હતી. જો કે તે સમયે ત્રણ કલાકમાં જ તેમને જામીન મળી ગયા હતાં. ભારતીય બેન્કોના ૯૦૦૦ કરોડ રૃપિયા નહીં ચૂકવવા બદલ માલ્યા ભારતમાં વોન્ટેડ છે. બ્રિટનની એક કોર્ટે માલ્યાના પ્રત્યાર્પણ સંબધિત કેસમાં પ્રથમ સુનાવણી ૨૦ નવેમ્બરે રાખી છે. માલ્યા વિરુદ્ધ ભારતમાં છથી પણ વધુ ધરપકડ વોરન્ટ જારી કરવામાં આવ્યા છે. આ સુનાવણી  દરમિયાન ભારત સરકાર વતી સીપીએસ દલીલ કરશે.  વિજય માલ્યા ગયા વર્ષે એપ્રિલમાં ભારતમાંથી ભાગી ગયા હતાં અને ત્યારથી તેઓ લંડનમાં વસવાટ કરી રહ્યાં છે. હાલમાં ભારતીય તપાસ એજન્સીઓ સીબીઆઇ અને ઇડી બ્રિટનની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવાની તૈયારીઓ કરી રહી છે.

       ઉલ્લેખનીય છે કે ભારત સરકારે બ્રિટનને માલ્યાનું પ્રત્યાર્પણ ઝડપી બનાવવાની અપીલ કરી છે.