Page Views: 10304

રાજકારણમાં નેતાઓની પસંદગીના માપદંડ નક્કી કરવાની જરૂર

વ્યક્તિઓ થકી પરિવાર સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થાય છે તો જાહેર જીવનના વ્યક્તિનું વ્યક્તિત્વ પણ મહત્વ હોવું જ જોઇએ...

વિચાર યાત્રા...

નીતા સોજીત્રા...(નીશો) દ્વારા...

 

રાજકારણ... આમ તો આ વિષય પર જેટલું લખાય એટલું ઓછું અને અધુરું છે અને આમ પાછું બધું નિરર્થક છે પણ સમય સાથે પરિસ્થિતિ અને વિચારો બદલાવ માગે છે. 

      વર્ષોથી ચાલી આવતી ઘણી પ્રથાઓ, નિયમો, કાયદા, અભ્યાસક્રમ, જીવનધોરણ ... આ બધું જ બદલાયું છે પણ રાજકારણ માં કાઈ જ ન બદલાયું. રાજકારણ એટલે કે જાહેર જીવનમાં કામ કરનારા આપણા લોકપ્રતિનિધીઓ ક્યાં કેવા માહોલમાંથી કેવા સમાજમાંથી કે કેવા સેન્ટરમાંથી આવે છે એનું પણ ખુબ મહત્વ રહેલુ છે. આપણે ત્યાં સેવાના નામે રાજકારણમાં આવતા નેતાઓ સમય જતા એવા સ્વરૂપો ધારણ કરે છે કે, તેમના કારનામાઓને કારણે સમગ્ર દેશની રાજનીતિ ઉપર સવાલો ઉભા થઇ રહ્યા છે. વાસ્તવમાં વ્યક્તિ થકી પરિવાર પછી સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થાય છે એ ન ભુલાવું જોઇએ. આઝાદીની લડાઇમાં મહાત્માગાંધી સાથે જોડાયેલા એક એક નેતાઓ કેટલા સત્યનિષ્ટ હતા એ અંગે આપ સહુ જાણો છો અને અત્યારના નેતા.. બોલવા કે લખવાની કંઇ જરૂર નથી. આવુ કેમ છે એ અંગે પણ વિચાર કરવો રહ્યો.

     મને વારંવાર થાય કે ચૂંટણીપ્રથા બદલાવ માગે છે. દાવેદારો માટે ફેરવિચાર અને નિયમો બદલાવ માંગે છે. સામાન્યરીતે ઉમેદવાર પોતાનું એક પ્રોફાઈલ યા કહો કે એક પ્રકારનો બાયોડેટા આપે અને એના આધારે એની ટીકીટ માટેની યોગ્યતા નક્કી થાય. એ પછી પક્ષના અગ્રણીઓના સૂચનથી ઉમેદવાર ને ટીકીટ મળે . આ પ્રોફાઈલ કે બાયોડેટામાં શુ ધ્યાનમાં લેવાય? એમ લખાયેલું બધું સાચું હોય? 

     પહેલા તો સમાજ સેવક તરીકે કેટલીક લાયકાત અને યોગ્યતા તપાસવી જોઈએ. એ પછી મને કરવા લાયક કોઈ પગલું લાગતું હોય તો એ છે જનતાનો મત..

      કોઈ પણ ગામમાંથી ઉમેદવારી નોંધાવનાર વ્યક્તિને ભલે જે તે પાલશનો રાજકારણી ન ઓળખતો હોય પણ એનું ગામ અને આસપાસના લોકો એના કર્મ ( કે કરતૂતો) થકી ઓળખતા જ હોય. એટલે કે બાયોડેટામાં આપેલી જૂઠી, અધૂરી કે ભ્રામક માહિતીના બદલે હવે વિસ્તારના લોકો જ એનો ઉમેદવાર પસંદ કરે તો યોગ્ય પાત્ર સત્તા પર આવે. અને તો જ ખરેખર દેશ સેવા કરનાર વ્યક્તિ નો જનતાને અને પક્ષને લાભ મળે. હા આવા નિર્ણય મુશ્કેલ હોય પણ અસરકારક હોય એ નક્કી. 

       નિઃસ્વાર્થ ભાવે સમાજની સેવા કરનારા ગામેગામ છે અને એની વચ્ચે જીવનાર લોકો એના સત્કર્મોથી વાકેફ પણ હોય છે. બસ આવો થોડો બદલાવ સાચા અને યોગ્ય સેવાભાવી ઉમેદવારની ભેટ આપે તો દેશની તરક્કી કોઈ રોકી ન શકે એ નિશ્ચિત છે..

    પણ ભ્રષ્ટ નીતિ, જુઠા વાયદા, બોગસ પ્રચાર અને આ બધા સાથે મહેફિલો... આ તો "ચોક્કસ પ્રકારના" ઉમેદવારો જ કરી અને કરાવી શકે .

   હું જાણું છું કે આ શક્ય નથી પણ વિચારી શકાય.વિચાર રોપી પણ શકાય એ આશાએ કે ક્યારેક તો એ વિચારનું વૃક્ષ ઘેઘુર બનશે અને એના છાંયડે દેશની તરક્કીની શાખાઓ સ્તકર્મો અને સેવાકાર્યના પાનથી  ફુલશે ફાલશે...

    આ તો મારો વિચાર... આશા છે કે ક્યારેક આના પર પણ વિચારે સરકાર ...

 

જય હો..NISHO