Page Views: 2966

ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં યોજાશે સુનાવણી

લાઈસન્સધારક દુકાનદાર ફટાકડાનું વેચાણ કરી શકશે અને અન્ય રાજ્યોમાંથી લાવી શકશે.

સુપ્રીમ કોર્ટમાં ફટાકડાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાની દાદ માગતી રિવિઝન પિટિશન અંગે ગુરુવારે સુનાવણી યોજનાર છે.

સુપ્રીમ કોર્ટે અગાઉના ચુકાદામાં દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં ફટાકડાના વેચાણ પરનો પ્રતિબંધ  શરતો સાથે રદ કર્યો હતો. રિવિઝન પિટિશનમાં આ ચુકાદો પાછો ખેંચી લેવાની પણ દાદ માગવામાં આવી હતી. આ કેસમાં અગાઉ ન્યાયમૂર્તિ મદન બી લોકુર ખસી ગયા હતાં અને અન્ય બેંચ સમક્ષ કેસની સુનાવણી હાથ ધરવા મુખ્ય ન્યાયમૂર્તિને કેસ પરત કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે અગાઉના ચુકાદામાં જણાવ્યું હતું કે દિલ્હી અને એનસીઆરમાં ફટાકડાના વેચાણ માટે પોલીસને દેખરેખ હેઠળ લાઈસન્સ આપવા જોઈએ અને મહત્તમ 500થી વધારે કામચલાઉ લાઈસન્સ આપવામાં જોઈએ. આ સાથે 2016માં આપવામા આવેલામાંથી માત્ર 50 ટકાને જ લાઈસન્સ આપવા જોઈએ. આ નિયમ એનસીઆરમાં પણ લાગુ કરવાનો રહેશે. વળી શાંત વિસ્તારના 100 મીટરમાં ફટાકડા ફોડી શકાશે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો હોસ્પિટલ, કોર્ટ, ધાર્મિક સ્થળો અને સ્કૂલ વગેરેના 100 મીટરના વર્તુળમાં આતશબાજી યોજી શકાશે નહીં. આ ઉપરાંત લિથિયમ, સિસા, પારા, એન્ટીમોની અને આર્સનિકનો પણ ફટાકડા બનાવવામાં ઉપયોગ થવો જોઈએ નહીં.

દિલ્હી અને એનસીઆરમાં અન્ય રાજ્યોમાંથી પણ બીજા આદેશ સુધી ફટાકડા લાવી શકાશે નહીં. કારણ કે બંને સ્થળોએ અગાઉથી જ ફટાકડા છે. દિલ્હી અને એનસીઆરમાં દશેરા અને દિવાળી માટે 50 લાખ કિલો ફટાકડા પૂરતા છે. લાઈસન્સધારક દુકાનદાર ફટાકડાનું વેચાણ કરી શકશે અને અન્ય રાજ્યોમાંથી લાવી શકશે.

સુપ્રીમ કોર્ટે કામચલાઉ રીતે ફટાકડાને વેચાણ પરનો પ્રતિબંધ દૂર કર્યો છે. દિવાળી પછી પ્રદૂષણને ધ્યાનમાં લઈ આ કેસમાં વધુ સુનાવણી હાથ ધરાશે.