Page Views: 1056

શ્રીનગરનાં BSF કેમ્પ ઉપર હુમલોઃ ૨ ત્રાસવાદી ઠાર મરાયા

હુમલામાં આર્મીના બે જવાનોને ઇજાઃ સર્ચ ઓપરેશન

શ્રીનગર:

        શ્રીનગર એરપોર્ટ પાસે સ્થિત બીએસએફ કેમ્પ પર મંગળવારે વહેલી સવારે આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ BSFની ૧૮૨મી બટાલિયનને નિશાન બનાવી છે. આ આત્મધાતી હુમલો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ હુમલામાં ત્રણ જવાનો ઘાયલ થયા છે, જયારે આ હુમલાની સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં ૨ આતંકીને ઠાર કરી દેવામાં આવ્યો છે. બાકી બચેલા આતંકીઓ કેમ્પની અંદરની બાજુએ ઘૂસી ગયા છે. તેમની સંખ્યા ૨થી ૩ હોવાનું કહેવાઈ રહ્યું છે. સુરક્ષાબળોએ તેમને ચારે તરફથી ઘેરી લીધા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને શ્રીનગર એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું છે. આ હુમલાની જવાબદારી જૈશ-એ-મહોમ્મદે લીધી છે.

          કહેવાય છે કે સાવારે ૪.૩૦ વાગ્યે આ આતંકી હુમલો કરવામાં આવ્યો હતો, આતંકીઓએ કેમ્પમાં ઘૂસણખોરી માટે આ આતંકી હુમલો કર્યો હતો. આતંકી હુમલા બાદ તુરંત હરકતમાં આવેલા જવાનોએ આતંકીઓ સામે જવાબી કાર્યવાહી કરી હતી. સુરક્ષાબળોએ આખા વિસ્તારને કોર્ડન કરી લીધો છે. હુમલા બાદ તમામ વાહનો અને યાત્રીઓને એરપોર્ટ તરફ જતા રોકી દેવાયા હતા. એરપોર્ટના કર્મચારીઓને પણ એરપોર્ટ તરફ જતા રોકી દેવામાં આવ્યા હતા. જોકે હવે મુસાફરોને એરપોર્ટ તરફ જવા માટેની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ ફલાઈટ અંગે કોઈ જાહેરાત નથી કરાઈ. આ વિસ્તારમાં સ્થિત કાશ્મીર વેલી સ્કૂલ પણ આજે નહીં ખુલે.ઘટના પર ભારે સંખ્યામાં સુરક્ષાબળના જવાનો હાજર છે. CRPF, 53 રાષ્ટ્રીય રાઈફલ્સ, BSF અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના જવાનો આ ઈમારતને ચારે તરફથી ઘેરીને કાર્યવાહી કરી રહ્યા છે, જેની અંદર આતંકી ઘૂસ્યા છે. આતંકઓ અને સુરક્ષાબળો વચ્ચે અટકી-અટકીને ફાયરિંગ ચાલી રહ્યું છે.