Page Views: 3967

GSTને કારણે હવાઇ મુસાફરી થઇ મોંઘી: ટ્રાવેલ બુકીંગમાં ૩૦ ટકાનો ઘટાડો

ઈન્ટરનેશનલ હોલિડે બુકિંગમાં ૧૦ ટકાનો વધારો નોંધાયો

 

અમદાવાદ:

        આ દિવાળી તમને ભલભલા મુસાફરીના શોખીનો ઘરે જ દેખાઈ શકે છે. કેશ ફલો ઈશ્યુ, GST બાદ હોટલ ટેરિફમાં વધારો, વિમાનભાડામાં વધારો વગેરે જેવા કારણોને લીધે દિવાળી નિમિતે સામાન્ય સંજોગોમાં થતી ટ્રાવેલ બુકિંગ કરતા આ વખતની ટ્રાવેલ બુકિંગમાં ૩૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડા બાબતે ટ્રાવેલ કંપનીઓ પણ આશ્યર્યચકિત થઈ ગઈ છે.

   એક ટુર ઓપરેટરે જણાવ્યું હતું કે, 'દિવાળી આસપાસ ડાયનેમિક પ્રાઈસિંગ પોલિસીને કારણે હવાઈ મુસાફરી મોંઘી બને છે. તેથી બુકિંગ શરુ થતા જ ઘણા ટ્રાવેલ એજન્ટ્સ દ્વારા બલ્કમાં ટિકિટ્સ બુક કરાવવામાં આવે છે. જેથી વધુ માંગ વચ્ચે પુરવઠામાં વધુ ઘટાડો થતા હવાઈ મુસાફરી ૩૦ ટકા સુધી મોંઘી બની જાય છે. આ સિવાય નોટબંધી બાદ કેશફલો ઈશ્યુને કારણે પણ ઘણા ટ્રાવેલિંગના શોખિનોએ બહાર જવાનું ટાળ્યું છે.' ટુર ઓપરેટર્સે જણાવ્યું હતું કે, ' દિવાળીની આસપાસ દિલ્હી, મુંબઈ, બેંગ્લુરુ, કોલકાતા, ચેન્નઈ, કોચ્ચિ, ત્રિવન્દ્રુમ, ગોવા, શિમલા અને દેહરાદૂન જેવા ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર જવા માટેના વિમાન ભાડામાં વધારો થઈ જાય છે '

   ટ્રાવેલ એજન્ટ્સ લો કોસ્ટ ટ્રાવેલિંગ માટે સામાન્ય રીતે વધારે બુકિંગ મેળવતા હોય છે. જેથી હવે GST અને અન્ય પરિબળોને કારણે લોકોને આ સસ્તી મુસાફરી પણ મોંઘી લાગવા માંડી છે. જેથી લોકો નજીકના વિદેશ પર્યટન સ્થળોએ જવા પ્રેરાઈ રહ્યા છે. ટુર ઓપરેટર્સ એન્ડ ટ્રાવેલ એજન્ટ એસોસિયેશન ઓફ ગુજરાતના સેક્રેટરી અનુજ પાઠકે જણાવ્યું હતું કે, 'ઈન્ટરનેશનલ હોલિડે બુકિંગમાં ૧૦ ટકાનો વધારો નોંધાયો છે. ડોમેસ્ટિક હોલિડે ડેસ્ટિનેશન કરતા હવે લોકો નજીકના વિદેશી પર્યટન સ્થળો જેવા કે થાઈલેન્ડ અને દુબઈ તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે.'