Page Views: 2586

કાશ્મીરના પૂંછમાં પાક.નો ગોળીબાર: ૨ બાળકોનાં મોત, ૧૨ ઘાયલ

કાશ્મીર કોંગ્રેસે પણ પાક.ના નાપાક કૃત્યને વખોડયું

જમ્મુ:-

         જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં પાકિસ્તાનના ભારે તોપમારાને કારણે બે બાળકોનાં મોત થયા છે અને અન્ય ૧૨ નાગરિકો ઘાયલ થયા છે તેમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે. ૧૨ ઘાયલો પણ પાંચ બાળકો છે અને એક જવાન છે જેની સ્થિતિ ગંભીર બતાવવામાં આવી રહી છે. ઘાયલોમાં પાંચ વર્ષીય ઝોબિયા કૌસર પણ સામેલ છે.

        પૂંચના જિલ્લા વિકાસ કમિશનર તારીક અહેમદ ઝારગરે જણાવ્યું છે કે  દિઘવાર, શાહપુર, કસ્બા, કેર્ની અને મંધાર સેક્ટર્સમાં અંકુશ રેખા પાસે પાકિસ્તાને સવારે ૬.૩૦ વાગ્યાથી ૧૧.૩૦ વાગ્યા સુધી ભારે તોપમારો અને ગોળીબાર ચાલુ રાખ્યો હતો. જમ્મુ-કાશ્મીર કોંગ્રેસે પણ પાકિસ્તાન દ્વારા કરાયેલા તોપમારા અને ગોળીબારને વખોડી નાખ્યો છે. જમ્મુ-કાશ્મીર કોંગ્રેસ સમિતિએ બે બાળકોના મોત અંગે દુ:ખ વ્યક્ત કર્યુ છે. પોલીસ પ્રવક્તાએ આપેલી માહિતી મુજબ ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાને આજે કોઇ પણ કારણ વગર અનેક ગામો અને ચોકીઓને નિશાન બનાવી હતી. ઝારગારે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનના તોપમારા અને ગોળીબારમાં ૯ વર્ષના છોકરા અને ૧૫ વર્ષની કિશોરીનું મોત થયું છે તથા અન્ય ૧૨ લોકો ઘાયલ થયા છે. ગંભીર રીતે ઘવાયેલા બે વ્યકિતઓને હેલિકોપ્ટર દ્વારા જમ્મુની ગર્વન્મેન્ટ મેડિકલ કોલેજમાં લઇ જવાયા છે.

        જિલ્લા વિકાસ કમિશનરના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના તોપમારાને કારણે દિઘવરમાં સૌથી વધુ નુકસાન થયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અસરગ્રસ્ત ગામોના લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. નાગરિકોની સલામતી માટે સરકારે ૪૦ કોમ્યુનિટી બન્કરો બનાવવાનું કાર્ય શરૃ કરી દીધું છે. ૨૦૧૭માં પાકિસ્તાન દ્વારા કરાયેલા શસ્ત્રવિરામ ભંગની ઘટનાઓમાં વૃદ્ધિ જોવા મળી છે.