Page Views: 804

અમેરિકાના ઇતિહાસનો સૌથી મોટો આતંકી હુમલો : ૫૮નાં મોત

મ્યુઝિક ફેસ્ટિવલનો આનંદ લઇ રહેલા લોકો પર ૬૪ વર્ષીય સ્ટિફન નામના શખ્સનો અંધાધૂંધ

વોશિંગ્ટન:

                અમેરિકામાં ગોળીબારની ઘટના હવે આતંકી હુમલાઓ જેટલી જ ખતરનાક બની ગઇ છે. લાસ વેગાસમાં આધુનિક અમેરિકાના ઇતિહાસમાં ગોળીબારની સૌથી ક્રુર અને કરુણ ઘટના સામે આવી છે. અહીં એક મ્યૂઝિક ફેસ્ટિવલમાં આવેલા નિર્દોશ લોકો પર એક માથા ફરેલા શખ્સે અંધાધુંધ ગોળીબાર કરી દેતા જોતજોતામાં ૫૮ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ૨૦૦થી પણ વધુ લોકો ઘાયલ થયા છે.

                ૬૪ વર્ષના હુમલાખોર શખ્સનું નામ સ્ટીફન પેડ્ડોક છે, પોલીસે જણાવ્યું હતું કે આ શખ્સ પણ લાસ વેગાસનો જ રહેવાસી છે જેને બાદમાં ઘટના સ્થળે જ ઠાર મારવામાં આવ્યો હતો. આ હુમલો લાસ વેગાસ શહેરમાં આવેલ મંડાલેય બે હોટેલ-કસીનોના ૩૨મા માળેથી થયો હતો. આ હોટેલની સામે જ સંગીત સમારોહ ચાલી રહ્યો હતો. જેમાં સામેલ થયેલા લોકો પર આ નરાધમ શખ્સે અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોર શખ્સની સાથે એક મહિલા પણ હતી, જેની શોધખોળ ચાલી રહી છે. અમેરિકાના ઇતિહાસમાં ગોળીબારની આ સૌથી ક્રુર ઘટના માનવામાં આવે છે. હજુસુધી આ હુમલામાં કોઇ આતંકી સંગઠનનો હાથ હોવાનું બહાર નથી આવ્યું. આ ઉપરાંત હુમલાનો હેતુ શું હતો તે પણ પોલીસને જાણવા નથી મળ્યું. ૫૦૦થી પણ વધુ ઘાયલોમાં ૫૮ જેટલાની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. આ હુમલાના કેટલાક વીડિયો ફૂટેજ અને તસવીરો પણ બહાર આવી છે. જેમાં લોકો ચીસો પાડતા જીવ બચાવવા ભાગદોડ કરતા નજરે પડી રહ્યા છે. હુમલાખોરે ઓટોમેટિક ગનનો ઉપયોગ કર્યો હતો. જોત જોતામાં સમગ્ર લાસ વેગાસમાં માતમનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. આ સંગીત સમારોહમાં સામેલ થયેલ એક મહિલાએ જણાવ્યું હતું કે મને એક મહિલાએ આવીને કહ્યું હતું કે તમારા પર ટૂંક સમયમાં ગોળીબાર થવાનો છે, અને ૪૫ મિનિટ બાદ ખરેખર ગોળીબાર થયો હતો.

                હાલ પોલીસ આ મહિલાની શોધખોળ કરી રહી છે તે એશિયાની કોઇ મહિલા છે અને તેનું નામ ડેનલેય હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આ ગોળીબારની ઘટના બની ત્યારે સંગીત સમારોહમાં સામેલ અનેક કલાકારો લોકોનું મનોરંજન કરી રહ્યા હતા. જોકે તેઓ સ્ટેજ પર હોવાથી બચી ગયા હતા. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હુમલાની નિંદા કરી હતી અને મૃતકો પ્રત્યે શ્રદ્ધાંજલી પાઠવી હતી.