Page Views: 21317

વેપારીઓને દર મહિનાંને બદલે દર ૩ મહિને GST રિટર્ન ફાઇલ કરવાની મંજુરી આપવા સરકારની તૈયારી

નાણા મંત્રાલયમાં ઉચ્ચકક્ષાએ વિચાર-વિમર્શ

નવી દિલ્હી:

        કેન્દ્ર સરકાર ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)ના રિટર્ન ફાઇલીંગમાં વેપારીઓના એક મોટા વર્ગને રાહત આપવાની તૈયારીમાં છે. તેઓને દર મહિને રિટર્ન ફાઇલ કરવાને બદલે ત્રણ મહિને રિટર્ન ફાઇલ કરવાની મહેત્તલ આપવા સરકાર ગંભીરતાથી વિચાર કરી રહી છે.

   સુત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલે નાણા મંત્રાલયનો વિચારણાનો દોર ચાલુ છે જો કે તેને લાગુ કરવામાં થોડો સમય લાગી શકે છે કારણ કે પહેલા આ પ્રસ્તાવને લો કમીટી પાસે મોકલવામાં આવશે ત્યાંથી મંજુરી મળ્યા બાદ તેને જીએસટી કાઉન્સીલ પાસે મોકલી દેવામાં આવશે. જીએસટી કાઉન્સીલમાં નાણામંત્રી અરૂણ જેટલી અને રાજયોના નાણામંત્રીઓ સામેલ છે. આ સિવાય સરકાર ર૦ લાખ રૂપિયા સુધીના ટર્નઓવરવાળા વેપારીઓ માટે સરળ જેવી આસાન રીટર્ન ફાઇલીંગ સિસ્ટમ લાવવા પણ વિચાર કરી રહી છે.

   દર મહિને રિટર્ન ફાઇલીંગને લઇને વેપારીઓની ફરિયાદ રહી છે અને આનાથી તેઓના ઉપર બોજો પડયો છે. ત્રણ ચરણની આ પ્રક્રિયાને પુરી કરવામાં જયાં એક તરફ ખર્ચ વધી જાય છે તો બીજી તરફ તેઓની ઉપર કામનો લોડ પણ વધી જાય છે. પ.બંગાળના નાણામંત્રી અમિત મિત્રાએ એક પત્ર લખી અરૂણ જેટલીને ૭પ લાખ રૂપિયાથી ઓછાના ટર્નઓવરવાળા વેપારીઓને ત્રિ-માસિક રિટર્ન ફાઇલ કરવાની પરવાનગી આપવા સુચન આપ્યુ હતુ.

   સરકારનું માનવુ છે કે આ નિયમમાં છુટછાટ આપવાથી સરકારને કોઇ નુકસાન નહી જાય. તાજેતરમાં એક કાર્યક્રમમાં અરૂણ જેટલીએ કહ્યુ હતુ ચાર લાખથી ઓછી રજીસ્ટર્ડ સંસ્થાઓ ૯પ ટકા ટેકસનું ચુકવણુ કરે છે જયારે બાકીના ૬૦ લાખ માત્ર પ ટકા ટેકસ આપે છે.

   સુત્રોનું કહેવુ છે કે ત્રિમાસિક રિટર્નના રસ્તામાં કેટલીક પરેશાની પણ આવશે જેને દુર કરવી પડશે. જેમ કે ટેકસ ક્રેડીટના મામલાને કઇ રીતે નિપટી શકાય. આ સિવાય મોટી કંપનીઓ જેમ કે મારૂતિ કે હિન્દુસ્તાન લીવરને દર મહિને રિટર્ન ફાઇલ કરવાનુ રહેશે. જયારે તેઓના વેન્ડર્સના સપ્લાયર્સે ત્રણ મહિને રિટર્ન ભરવાનુ રહેશે. આનાથી રિટર્નના મેળાપમાં મુશ્કેલી થશે.