Page Views: 2875

હવે, પાનકાર્ડની ખરાઇ વિના ૧૦ લાખથી વધુ રકમનાં દસ્તાવેજ નહીં નોંધાય

દસ્તાવેજ વખતે રજૂ થતાં પાનકાર્ડની સબ રજિસ્ટ્રારે આઇટીની વેબ ઉપર ખરાઇ કરવી પડશે

અમદાવાદ:-

        રાજય સરકારના નોંધણી સર નિરીક્ષકે બોગસ પાનકાર્ડના આધારે જમીનો અને મિલકતોના વેચાણ દસ્તાવેજની નોંધણી અટકાવવા માટે મહત્વનો પરિપત્ર કર્યો છે. હવે સબ રજિસ્ટ્રાર કચેરીમાં રૂ. ૧૦ લાખથી વધુની રકમના દસ્તાવેજની નોંધણી વખતે પાનકાર્ડ રજૂ કરવામાં આવશે તો સબ રજિસ્ટ્રારે ખુદ આઇટીની સત્તાવાર વેબસાઇટ ઉપર પાનકાર્ડની ખરાઇ કર્યા બાદ જ દસ્તાવેજની નોંધણી કરવાની રહેશે. જો પાનકાર્ડ બોગસ હોવાની શંકા લાગે તો તેવા સંજોગોમાં દસ્તાવેજની નોંધણી સબ રજિસ્ટ્રાર અટકાવી પણ શકશે.

   રાજય સરકારના નોંધણી સર નિરીક્ષકે આજે ર૬ મી સપ્ટેમ્બરના રોજ દસ્તાવેજની નોંધણી પહેલાં પાનકાર્ડના વેરિફિકેશન અંગે પરિપત્ર કર્યો છે જેમાં સબ રજિસ્ટ્રારોને પાનકાર્ડના વેરિફિકેશન અંગેની સૂચના આપવામાં આવી છે જેમાં સબ રજિસ્ટ્રાર દસ્તાવેજની નોંધણી પહેલાં ઓનલાઇન પાનકાર્ડની ખરાઇ કરશે. અહીં મહત્વનું એ છે કે, સબ રજિસ્ટ્રાર પાન કાર્ડની ઓનલાઇન ખરાઇ કરશે તે વખતે સર્વર કે અન્ય પ્રકારના ટેકનીકલ ફોલ્ટ સર્જાશે તો લોકોના દસ્તાવેજ અટકી શકશે.